
સ્માર્ટ સિટી મિશન હેઠળ સુરત શહેરમાં 2813 કરોડના 78 પ્રોજેક્ટ પૂરા થયા
2015થી શરૂ થયેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં દેશમાં સુરત અગ્રેસર: સ્માર્ટ સિટી મિશન હેઠળ સુરતમાં 85 ટકા રકમ રિલીઝ થઈ ગઈ: રાજીવ જૈન
સુરત, તા. 18 એપ્રિલ 2023 મંગળવાર
2015થી શરૂ થયેલા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં શરુઆતથી જ દેશમાં સુરત અગ્રેસર જોવા મળ્યું છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ ની કામગીરી જોવા માટે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ની ટીમ સુરતની મુલાકાતે આવી હતી. સ્માર્ટ સિટી મિશન હેઠળ ની કામગીરી જોઈને આ ટીમ પ્રભાવિત થઈ હતી. ટીમના રાજીવ જૈને કહ્યું હતું કે સ્માર્ટ સિટી મિશન માટે 100 શહેરની દેશભરમાંથી પસંદગી કરવામાં આવી હતી જેમાં સુરત શહેરનો વિકાસ આંખે ઊડીને વળગે તેવો છે. કેન્દ્ર સરકાર દ્વાર સ્માર્ટ સિટી મિશન હેઠળ સુરતને જે પ્રોજેક્ટ આપવામાં આવ્યા હતા જેમાંથી સુરત શહેરના 85 ટકા રકમ ફાળવી દેવામાં આવી છે. સુરત પાલિકાના અનેક પ્રોજેક્ટ દેશ માટે પણ મોડલ બની શકે તેમ છે.
સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું હતું, સુરત શહેરમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ કુલ 86 પ્રોજેક્ટ મુકવામાં આવ્યા હતા જેમાં માત્ર ત્રણ પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે અને 78 પ્રોજેક્ટ ની કામગીરી પુરી થઈ છે. આ 79 પ પ્રોજેક્ટ 2813 કરોડના છે અને જે બાકી પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ 245 કરોડના છે જે પણ ઘણા જ જલ્દી પુરા થઈ જશે.
મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું હતું, સુરત છેલ્લા ઘણાં વર્ષોથી સ્માર્ટ સિટીમાં આગળ છે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પહેલા નંબરે આવે તેવી કામગીરી કરવામાં આવી રહી છે. સુરત પાલિકાએ સ્ટ્રીટ વેન્ડર ને લોન આપી છે તેના કારણે અનેક પરિવારો ઉભા થયા છે, આ ઉપરાંત આવાસ હેઠળ પણ સુરત પાલિકાએ નોંધપાત્ર કામગીરી કરી છે.