
સુરત એરપોર્ટ પર સુવિધામાં વધારો થવાની શરૂઆત નજીકના દિવસોમાં જ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. સુરત એરપોર્ટના વિકાસ માટેના કાર્યો ટર્મિનલ બિલ્ડિંગ, પેરેલલ ટેક્સી ટ્રેક અને કેનોપી સહિતના કાર્યોમાં પ્રગતિ થઇ છે. સુરત એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94% પૂર્ણ થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવી છે.
વિકાસ કાર્યો માટે 353.25 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટ પર થઇ રહેલા વિકાસકાર્યો અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ટર્મિનલ બિલ્ડિંગ, એપ્રોન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિતના વિકાસ કાર્યો માટે 353.25 કરોડ રૂપિયાના ખર્ચે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
તમામ કામગીરી ઝડપથી પ્રગતિમાં
138.48 કરોડના ખર્ચે તૈયાર થનાર ટર્મિનલ બિલ્ડિંગનું કામ ફાઇનલ તબક્કા પર છે જે 94 ટકા સુધી પૂર્ણ થયું છે. એપ્રોન વિસ્તૃતીકરણ અને પેરેલલ ટેક્સી ટ્રેકનું કામ 63.13 કરોડના ખર્ચે થશે, તેમાં 72 ટકા સુધીનું કામ પૂર્ણ થયું છે. 15.57 કરોડ રૂપિયાના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ સામે કેનોપીનું કામ પણ ઝડપથી પ્રગતિમાં છે.
દર કલાકે મુસાફરો રોકાવાની ક્ષમતા 1800 સુધીની થઇ જશે
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ટર્મિનલ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા પછી ત્યાં દર કલાકે મુસાફરો રોકાવાની ક્ષમતા 1800 સુધીની થઇ જશે. તે સિવાય પાંચ એરોબ્રિજ અને 5 કેસ્યુઝલ સહિતની સુવિધાઓ યાત્રીઓને મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, સુરત એરપોર્ટ પરથી હાલ જે શહેરો માટે ફ્લાઇટ ઉડાન ભરી રહી છે તેના સિવાય પણ કેટલાક શહેરો માટે ફ્લાઇટની માંગણી કરવામાં આવી રહી છે.