
સુરત શહેરમાં ઝાંપા બજાર વિસ્તારમાં બકરાઓ વધુ પ્રમાણ છે. પરિણામે બકરા ચોરોએ આ વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો છે. રિક્ષામાં આવી બકરાની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે.
કોઈ ન દેખાય ત્યારે ચોરો બકરાની રિક્ષામાં ઉઠાવી જાય છે
ઝાંપા બજાર વિસ્તારમાં અન્ય વિસ્તારો કરતા બકરાનો ઉછેર કરતા અનેક પરિવારો જોવા મળે છે. બકરા-બકરીઓ પાળતા પણ હોય છે. આ વિસ્તારમાં બકરા ચોરીની ઘટના સતત વધી રહી છે. ઝાંપા બજાર વિસ્તારમાં બકરા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રિક્ષામાં બે શખસ આ વિસ્તારમાં ફરે છે, ગલીઓમાં રખડતા બકરાઓ ઉપર નજર રાખ્યા બાદ આસપાસ કોઈ પણ વ્યક્તિ ન દેખાતા રિક્ષામાં બકરાને સિફતપૂર્વક લઈ જાય છે. બકરાઓને લઈ જતી આ ટોળકી વધુ સક્રિય થતા લોકો પણ પરેશાન છે. સતત રિક્ષા લઈને તક મળતા જ બકરા ઉઠાવી જાય છે.
સ્થાનિક લોકોની મુશ્કેલી વધી
પોતાના વિસ્તારમાં સતત બકરાની ચોરી થતા સ્થાનિક લોકો પણ ચિંતામાં મૂકાયા છે. શરૂઆતમાં તો એકાદ-બે બકરા ચોરાતા ચર્ચાનો વિષય બન્યો ન હતો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ઝાંપા બજારની અલગ અલગ ગલીઓમાંથી બકરા ચોરી થતા હવે લોકમુખે આ ચોરોના આતંક વિશે ચર્ચા થઈ રહી છે. આ વિસ્તારમાં બકરા ફરતા દેખાતા જ આ ટોળકીના નિશાના ઉપર આવી જાય છે. લોકો પોતાના પશુઓને હવે બહાર રાખતા પણ ખચકાઇ રહ્યા છે.