
ભાવનગરમાં મોટી દુર્ઘટના બની છે. માધવહીલ કોમ્પ્લેક્સનો ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો. 15 જેટલા લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે, જેમાંથી મોટાભાગના લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. નીચે આવેલી બેંક BoBના 8 જેટલા કર્મચારીઓને બહાર કઢાયા છે. આ તમામને રેસ્ક્યુ બાદ તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે. હજુ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની સંભાવના છે. તેમની શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. કટર અને જેસીબીની મદદથી કાટમાળ હટાવાઈ રહ્યો છે. ફાયર બ્રિગેટની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ હાથ ધર્યું છે. પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ થવા પામી નથી.
આ દુર્ઘટનામાં બિલ્ડિંગના ઉપરના ભાગની ઓફિસોને પણ નુકસાન થયું છે. આ ઓફિસો પણ હવે જોખમી બની છે. કોમ્પ્લેક્સના પહેલા ત્રણ માળમાં 200 દુકાનો આવેલી છે.
મળતી માહિતી અનુસાર, મિલ્કત માલિકને કોમ્પ્લેક્સ જર્જરિત હોવાની આ બિલ્ડિંગને ઉતારી લેવા માટે નોટિસ અપાયોને દાવો કરાઈ રહ્યો છે. જોકે ત્યારબાદ કોઈ કાર્યવાહી થઈ ન હતી. મનપા પણ માત્ર નોટીસ આપીને પેપર પર કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શહેરોમાં અનેક મોતની ઈમારતો ઊભી છે. જર્જરિત મકાનોને ના ઉતારવાની માલિકોની ખોટી જીદના કારણે લોકોના જીવ જોખમમાં છે.