
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત તરફથી આગામી ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ૬૫મો સમુહલગ્ન સમારોહ યોજાશે. જેના લગ્ન નોંધણી ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે. શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ લિ. ના શ્રી નારોલા પરિવાર તરફથી ૧૨૫ દીકરીઓના કન્યાદાન કરવામાં આવનાર છે. લગ્ન નોંધણી કરનાર વાલીશ્રીઓ સાથે સમુહલગ્ન સમારોહના મુખ્ય યજમાન પરિવાર શ્રીમતિ ભાવનાબેન અને જયંતીભાઈ વી. નારોલાની ઉપસ્થિતિમાં “:સમજણનો સેતુ” એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમુહલગ્ન આયોજનની માહિતી તથા લગ્નમાં કોઈપણ જાતનો ખોટો ખર્ચ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે યોજાયેલ વાલી મીટીંગમાં સંસ્થાના પ્રમુખશ્રીએ કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે આ ૬૫માં સમૂહલગ્નોત્સવની થીમ “આર્થિક બચત જાગૃતિ ” છે. વર- કન્યાના માતા પિતા ઘરે કોઈ પણ જાતનો ખોટો ખર્ચ ન કરે તે પરિવારના હિત માં છે. મોંઘવારી, ખોટા ખર્ચ અને મર્યાદિત આવકને કારણે મોટાભાગના પરિવારો આર્થિક મુશ્કેલીઓ અને ટેન્શન અનુભવે છે. આત્મહત્યાના વધતા બનાવોમાં આર્થિક મુશ્કેલી મુખ્ય કારણને તેથી નવયુગલ ને વારસામાં દેવું આપવાના બદલે થોડી બચત આપો. જેથી, રોકાણથી તે યુગલ નિયમિત આવક મેળવી શકશે અને ભવિષ્યની કોઈ પરિસ્થિતિમાં તેને તે રોકાણ ઉપયોગી થશે. આ આર્થિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે લગ્નમાં જોડાનાર દરેક પરિવાર ખોટો ખર્ચ ન કરે અને તે રકમ કન્યાને ઓછામાં ઓછા રૂ. ૫૦,૦૦૦/- રોકડા કે એફ.ડી આપે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. કન્યાના માતા પિતા કે વાલીશ્રી એ તેમ કરવા ખાત્રી આપી હતી. જે કન્યાને વધુમાં વધુ પૈસા પિતા તરફથી મળશે તે કન્યાને સમાજ તરફથી રૂ. ૫૧,૦૦૦/- પુરસ્કાર પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે દીકરીના પપ્પા હયાત નથી તેવી દીકરીઓને અન્ય દાતાશ્રીઓના સહયોગથી રૂ. ૫૦,૦૦૦/- સહાય આપવા ની પણ જાહેરાત કરવામાં આવી હતી.

થેલેસેમિયા મેજર અટકાવવાની કોઈ દવા નથી. માત્ર જાગૃતિ જ એક ઉપાય છે ત્યારે થેલેસેમિયા માઇનોર હોય તેવા બે પાત્રો પતિ-પત્ની બંને તો તેને ત્યાં જન્મનાર બાળક થેલેસેમિયા મેજર આવે છે. જેને શરીરમાં ક્યારેય લોહી બનતું નથી. એટલે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આ સમારોહમાં જોડાનાર યુવક-યુવતી ના થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત કરેલ છે. જો બંને પાત્રમાં થેલેસેમિયા માઇનોર પોઝીટીવ હશે તો તેને લગ્ન ન કરવા સમજાવવામાં આવશે. લોકોમાં વ્યાપક જનજાગૃતિ આવે તેવા હેતુથી સમૂહલગ્નોત્સવમાં રીપોર્ટ ફરજીયાત કરેલ છે.

સમૂહલગ્નમાં જોડાનાર યુવક અને જરૂર પડે તો યુવતીના થેલેસેમિયા ટેસ્ટ વિના મુલ્ય કરી આપનાર જીવાણી લેબના ડૉ. એન. ડી. જીવાણીએ વિસ્તૃત માહિતી આપી હતી.
દેવું કરીને લગ્નમાં ખોટા ખર્ચ ન કરવાની વિનંતી સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતના પ્રમુખ ડૉ. સી. એમ. વાઘાણી એ વર્તમાન સમયની સમસ્યાઓનું મોટું કારણ ગજા ઉપરના ખર્ચા છે. ખોટા ખર્ચ ઓછા કરી પરિવારને પ્રગતિશીલ બનાવવા અનુરોધ કર્યો હતો. સંસ્થાના ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયાએ સર્વોને આવકારી લગ્ન નોંધણી કાર્ય પ્રારંભ ની જાણકારી આપી હતી. ૧૧૧ લગ્ન ની નોંધણી કરવામાં આવી છે. વધુમાં વધુ ૧૨૫ યુગલોની નોંધણી વહેલો તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

આગામી સમૂહલગ્નોત્સવના મુખ્ય યજમાન શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ લિ. (એસ.આર.કે) ના શ્રી દિનેશભાઈ વી. નારોલા તથા શ્રી જયંતીભાઈ વી. નારોલા ને યજમાન બનવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સમૂહલગ્ન સમારોહમાં જોડાવાના નિર્ણય બદલ માતા-પિતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી હરિભાઈ કથીરીયા, શ્રી કાંતિભાઈ મારકણા, શ્રી મુકેશભાઈ ચોવટીયા, શ્રી પ્રવીણભાઈ દોંગા, શ્રી મનજીભાઈ વાઘાણી, શ્રી જે. કે. પટેલ, શ્રી બાબુભાઈ રાદડિયા, શ્રી રમેશભાઈ વાઘાણી, શ્રી પ્રભુદાસભાઈ ટી. પટેલ વગેરે ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મંત્રીશ્રી એડવોકેટ અરવિંદભાઈ ધડુકે કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી કાંતિભાઈ મારકણા તથા એડવોકેટ પ્રફુલભાઈ ચોડવડીયા એ કર્યું હતું.