
સુરત મહાનગરપાલિકાના કેબલ સ્ટેઇડ બ્રિજમાં બ્રિજને પિલર સાથે જકડી રાખતી 2 પિન 25 દિવસ કરતા ઓછા સમય પહેલા ચોરાઈ ગઈ હતી. બ્રિજના ઇન્સ્પેક્શન વખતે આ ચોરી બહાર આવી હોવા છતાં આજે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો છે. બીજી તરફ આ બ્રિજને રીપેર કરવાની કામગીરી પણ શરૂ કરવા માટે કવાયત શરૂ થઇ છે.
સુરતની તાપી નદી પર નજરાણા સમાન બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાના ત્રણ વર્ષ બાદ ગેરેન્ટી પિરિયડ પૂરો થઈ ગયો છે. કેબલ બ્રીજના લાયેબિલિટી પિરિયડ પૂરો થતાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ ઇન્સપેકશન દરમિયાન બ્રિજ અને પિલરને જોડી રાખતી ચાર પિન માંથી બે ની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેના કારણે બ્રિજની મજબૂતાઈ સામે ખતરો ઉભો થયો હતો. તેમ છતાં પાલિકાએ પોલીસ ફરિયાદ કરી ન હતી .
બે વર્ષ પહેલા આ બ્રિજ પરથી લાઈટ ની ચોરી થઈ હતી ત્યારે પણ પોલીસ ફરિયાદ કરી ન હતી ત્યાર બાદ મામલો સામે આવ્યો અને પછી પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેવી જ રીતે હાલમાં પિનની ચોરી થયાના 25 દિવસ બાદ આજે પાલિકાએ પોલીસ ફરિયાદ કરવાની કામગીરી શરૂ કરી છે.