
સુરતના લીંબાયતની મજદા પાર્ક સોસાયટીમાં મારામારીની ઘટના સામે આવી છે. ગેરકાયદે બાંધકામ અંગે પાલિકામાં અરજી કરવાની અદાવત રાખી પરિવાર પર હુમલો કરાયો હતો. મારામારીની આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે તો બીજી તરફ મારામારીની આ ઘટનામાં પરિવારના ૬ જેટલા સભ્યોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં મજદા પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં ઇરફાનખાન ઉસ્માનખાન પઠાણ પરિવાર સાથે રહે છે. દરમ્યાન તેઓના પિતા માતા, ભાઈ, પત્નીને માર મારવામાં આવ્યો હતો. ગેરકાયદે બાંધકામ અંગે પાલિકામાં અરજી કરતા ફારુક ઉર્ફે મુર્ગી અને તેના પુત્રએ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં બંને પક્ષ સામે સામે મારામારી કરી રહ્યા છે. ભર બપોરે પથ્થર અને સળિયા વડે હુમલો કરાતા ઇરફાનભાઈના હાથે ફ્રેક્ચર આવ્યું હતું. જ્યારે તેના માતા ખતીઝા, પિતા ઉશ્માનભાઇ, બહેન પત્ની અને ભાઈ સલમાનને ઇજાઓ પહોંચી હતી. હાલ તમામને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આખી ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે. આ સમગ્ર બનાવ અંગે ઈરફાનખાન પઠાણે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.જેમાં પોલીસે ફારુક ઉર્ફે મુર્ગી, અદનાન, બિલાલ, અને આવેશ નામના ઈસમો સામે ગુનો નોંધી આ મામલે તપાસ શરુ કરી છે.