
સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસના ઝૂપડાં દૂર કરવા માટે રેલવે વિભાગની સામે લાંબી લડાઈ લડવામાં આવી હતી. અસરગ્રસ્તો દ્વારા ઘણા સમયથી કાયદાકીય રીતે પણ લડત શરૂ કરવામાં આવી હતી. પરંતુ આખરે હાઈકોર્ટે તમામ નડતરરૂપ ઝુંપડાઓને દૂર કરવા હુકમ કર્યો હતો. જેના આધારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરાઇ છે. આખરે લોકોએ પોતાનો ઘરવખરીનો સામાન દૂર કરવા માટે શરૂઆત કરી હતી. એક તરફ મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી તો બીજી તરફ લોકોએ પોતાના ઘરના સામાનને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું.જો કે આજે કામગીરી ડિમોલેશનની શરૂ થયા બાદ સુપ્રીમ કોર્ટે એક દિવસનો સ્ટે આપતાં કામગીરી અટકાદવી દેવામાં આવી હતી.
છેલ્લા ઘણા સમયથી સુરત ઉધના રેલવે સ્ટેશનને વિકસાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આસપાસની નડતરરૂપ જમીનો ઉપરના કાચા-પાકા બાંધકામ દૂર કરવાની ફરજ પડે તેમ હતી. જેને કારણે તમામ ઝૂપડાઓને દુર કરવા માટેનો નિર્ણય લેવાયો છે. અસરગ્રસ્તો દ્વારા વારંવાર આ બાબતે રજૂઆત કરવામાં આવી રહી હતી. તાજેતરમાં જ અસરગ્રસ્તો દ્વારા રાજ્યકક્ષાના રેલવેપ્રધાન દર્શના જરદોષને રજૂઆત કરવા માટે તેમના ઘરે પહોંચ્યા હતાં. પરંતુ દર્શનાબહેને તેમની સાથે મુલાકાત કરી ન હતી.
કોંગ્રેસના નેતા અસલમ સાઈકલવાલાએ જણાવ્યું કે, અસરગ્રસ્તો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ રહી હતી. સુરત મહાનગરપાલિકાના આવશો કે સુડાના ખાલી પડેલા આવાસો અસરગ્રસ્તોને આપવા માટેની માગ કરી હતી. પરંતુ તે પૂર્ણ કરવામાં આવી નહીં. મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવા પહેલાં ભાજપના ઇશારે મારી ધરપકડ કરી લેવામાં આવી હોવાનું પણ તેમણે આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું.