
સુરતના ચોક વિસ્તારમાં આવેલા ગાંધી બાગમાં વારંવાર ચોરી થવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ, કોર્પોરેશનનું તંત્ર હંમેશાની જેમ ફરી ઊંઘતું ઝડપાયું છે. આજે સવારે ગાંધી બાગમાં નિયમિત રીતે મોર્નિંગ વોક કરવા આવતા એક સામાજિક કાર્યકરની નજર ચંદનના ઝાડ ઉપર પડી હતી. તેમણે જોયું કે, ચંદનના ઝાડ કાપીને તેની ચોરી થઇ હોવાનું જણાય છે. તે અંગે તેમણે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.બાગમાં સિક્યુરિટી હોવા છતાં ચોરીની ઘટના સર્જાતા સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતાં.

ગાંધી બાગમાં કિંમતી ચંદનનાં ઝાડને કાપવાની ઘટના અનેક વખત બનતી હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. અઠવા પોલીસ સ્ટેશનની ખૂબ જ નજીક આવેલું છે. છતાં પણ અહીં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોય છે. એટલું જ નહીં કોર્પોરેશન દ્વારા બગીચામાં તેમજ આસપાસમાં સીસીટીવી હોવા છતાં પણ તસ્કરો ઝાડ કાપવામાં સફળ થાય છે. કોર્પોરેશન માટે શરમજનક બાબત એ છે કે, વારંવાર ચંદનના ઝાડની ચોરી થઇ હોવા છતાં પણ તેઓ યોગ્ય રીતે સિક્યુરિટી ગોઠવી શકતા નથી.
ઊંઘતા કોર્પોરેશનના અધિકારીઓને જગાડ્યા બાદ તેમણે CCTV ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ અત્યાર સુધી CCTV ફુટેજમાં કોઈ મોટી સફળતા મળી હોય તેવું દેખાતું નથી. વારંવાર બનતી ઘટનાઓ બાદ પણ કોર્પોરેશનના અધિકારીઓ તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી. અઠવા પોલીસ સ્ટેશન ગાંધીનગરથી 200 મીટરના અંતરે પણ નથી છતાં પણ ત્યાં આગળ વારંવાર થતી ચોરી અથવા પોલીસની પેટ્રોલિંગ ઉપર પ્રશ્નાર્થ ઊભો કરી રહી છે.