
અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિને જોતા ભારત સરકારે કાબુલમાં સ્થિત રાજદૂત રુદ્રંેદ્ર ટંડન અને તેમના ભારતીય સ્ટાફને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય અધિકારીઓએ અને બીજા લોકોને પણ એરલેફ્ટ કરવામાં આવી રહ્યાં છે. વાયુસેનાનું ગ્લોબમાસ્ટર C-17 એરક્રાફટ કાબુલથી 130થી વધુ લોકોને લઈને મંગળવારે સવારે રવાના થયું છે. ભારતીય રાજદૂત પણ આ વિમાનથી આવી રહ્યાં છે. આ વિમાન બપોરે 1 વાગ્યે જામનગર આવશે અને ત્યાંથી ગાજિયાબાદાના હિંડન એરબેસ પર પહોંચશે.
કાબુલ એરપોર્ટ પર સોમવારે અમેરિકાના પ્લેન પર લટકીને ભાગવા જતા પડી જવાથી 7 લોકોના મૃત્યુ થયા છે. બીજી તરફ અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટ પર બે હથિયારધારી લોકોને ઠાર કર્યા છે. આ સ્થિતિને જોતા તમામ સૈન્ય અને કર્મશિયલ વિમાનોને રોકી દેવામાં આવ્યા હતા. જોકે 1000 અમેરિકાના સૈનિકો પહોંચી જતા એરપોર્ટ ફરીથી ખોલી નાંખવામાં આવ્યું છે. હવે અમેરિકાના સૈનિકો જ ઉડાનનું મેનેજમેન્ટ સંભાળી રહ્યાં છે.
એરપોર્ટ પર 6 હજાર સૈનિક તહેનાત કરશે અમેરિકા અમેરિકાનું કહેવું છે કે એરપોર્ટ પર પોતાના 6 હજાર સૈનિક તહેનાત કરશે, જેથી નાગરિકોને સુરક્ષિત બહાર કાઢી શકાય. હાલ કાબુલ એરપોર્ટ પર ભાગદોડ જેવી સ્થિતિ છે. દેશ છોડવા માટે લોકો હજારોની સંખ્યામાં એકઠા થયા છે. ઘણાં એવા પણ છે, જે કોઈ પણ પ્રકારનો સામાન લીધા વગર જ એરપોર્ટ આવી ગયા છે.