
ગુજરાત સરકારના ભુપેન્દ્ર પેટલની નવી સરકારની રચનામાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. સુરતના ત્રણે સહિત દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સુરતના એક સાથે બે ધારાસભ્ય મંત્રી બને તેની સાથે દક્ષિણ ગુજરાતના છ ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ થાય તેવો આ પહેલો મોકો છે. આ પાંચ ધારાસભ્યમાં કપરાડાના ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જીતુ ચૌધરીને મંત્રી મંડળમાં સમાવેશ માટે ફોન આવ્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
આજે મંત્રી મંડળની રચના પહેલાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યને ભાજપના હાઈ કમાન્ડમાંથી આવેલા ફોનથી દક્ષિણ ગુજરાતને એક સાથે પાંચ મંત્રીની ભેંટ મળી છે. સુરતના મજુરા વિધાનસભા વિસ્તારના બે વખત ચુંટણી જીતી ચુકેલા હર્ષ સંઘવીએ કોરોના કાળ દરમિયા કરેલી કામગીરીને ભાજપની નેતાગીરીએ નોંધ લીધી હતી અને હર્ષસંઘવીને ગુજરાતના મંત્રી મંડળમાં સમાવશે કરાયો છે. આ ઉપરાંત બીજો ફોન ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલને આવ્યો છે મુકેશ પટેલ કોળી સમાજમાંથી આવી રહ્યાં છે તેથી કોળી સમાજને મહત્વ આપવા માટે મુકેશ પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત સુરત વરાછાના ધારાસભ્ય અને પાટીદાર નેતા કુમાર કાનાણીને મંત્રી મંડળમાંથી પડતા મુકાતા તેમની જગ્યાએ કતારગામના એગ્રેસીવ ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતાં વિનોદ મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે શપથવિધિ સમારોહ યોજાશે. શપથવિધિ પહેલાં જ આજે કમલમ્ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. હાલમાં કમલમ્ ખાતે રાજભવનમાં શપથ સમારોહમાં જવા માટેના પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવા મંત્રીઓનું મોઢું મીઠું કરાવવા કમલમ્ ખાતે મીઠાઈઓ પહોંચી ગઈ છે.