
સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા વરિયાવ-તાડવાડી નજીકના ચૌધરીવાસના રસ્તાઓ પર ગોબર ગંદકીને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. વારંવારની ફરિયાદ પછી પણ તબેલાવાળા પશુઓનો ગંદવાળો રસ્તાઓ પર વહેતો કરી દેતા હોવાને કારણે રાહદારીઓ પણ હેરાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. 30 દિવસમાં 5 અરજી કર્યા બાદ 10 વાર પાલિકા ડ્રેનેજ ચેમ્બર સાફ મરી ચુકી છે છતાં ત્રીજા દિવસે ફરી ડ્રેનેજ બ્લોક પાછળ તબેલાના ગોબરની ગંદકી જ કારણભૂત બની રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, વરિયાવ-તાડવાડી વિસ્તારમાં ચૌધરીવાસ લગભગ 50 વર્ષ જૂનું હોય એમ કહી શકાય છે. 200-300 જેટલા મકાનો આવેલા છે. જોકે 10 વર્ષથી તબેલા બાંધી પશુપાલન તરીકેના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હેરાન જ કરી રહ્યા છે. પહેલા પશુઓનું ગોબર ગંદકી ઘરમાંથી બહાર નીકળતી હતી. વારંવાર ઝઘડા અને રજૂઆતો બાદ પાળ બાંધી તો હવે રસ્તાઓ ઉપર નાખીને ગંદકી ફેલાવી રહ્યા છે.
વધુમાં જ જણાવ્યું હતું કે, આ બાબતે કતારગામ ઝોનમાં અને નજીકના કેન્દ્રમાં 1-1 વાર અરજીઓ કરી છે. બે વાર ઓનલાઈન ફરિયાદ કરી છે. છેલ્લા 30 દિવાની જ વાત કરીએ તો 10 વાર ડ્રેનેજ ચેમ્બર સાફ કર્યા બાદ પણ ત્રીજા દિવસે પરિસ્થિતિ જેવી હતી એવી જ થઈ જાય છે.
વધુમાં જણાવ્યું હતું કે અમને તબેલા કે એના વ્યવસાય સામે કોઈ વાંધો નથી પણ ગોબરનો ગંદવાળો રોડ પર વહેતો કરી આખા વિસ્તારમાં હેરાનગતી કરતા હોવા સામે વાંધો છે. કંઈ પણ કહેવા જઈએ એટલે ગાળો આપી સામે મારવા આવે છે. જેને બોલાવવું હોય એને બોલાવો અમે આવું જ કરીશું એમ કહેતા આ લોકો સામે કડક પગલા ભરાવવા જોઈએ.