
કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની છોકરીએ તેના ઘરે જ બાળકને જન્મ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે છોકરીએ યુ-ટ્યુબમાં જોઈને બાળકની ડિલિવરી કરાવી છે. તેનાં માતા-પિતા પણ તેની પ્રેગ્નન્સી વિશે જાણતાં નહોતાં. પોલીસે તેના 21 વર્ષના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના કેરળના મલ્લાપુરમ જિલ્લાની છે, જ્યાં છોકરીએ 20 ઓક્ટોબરે બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરીના 3 દિવસ પછી છોકરીની આંધળી માતાને બાળક વિશે ખબર પડી હતી. છોકરી ડિલિવરી પછી 3 દિવસ સુધી તેના રૂમમાં જ બંધ રહી હતી. ડિલિવરી પછી ઈન્ફેક્શન થવાને કારણે તેને રૂમમાંથી બહાર આવવું પડ્યું. ત્યાંથી છોકરી અને તેના બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)એ આ પ્રેગ્નન્સી વિશે પોલીસને જાણ કરી છે. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું કે છોકરીના પડોશમાં રહેતા 21 વર્ષના છોકરાથી તે પ્રેગ્નન્ટ થઈ હતી અને ડિલિવરી સમયે યુ-ટ્યૂબ જોઈને ગર્ભનાળ કાપવાની સલાહ આપી.