
મહાભારતના યુદ્ધ દરમિયાન પોતાનાં પરાક્રમોથી અર્જુને કૌરવસેનામાં હાહાકાર મચાવી દીધો હતો. પરિણામે ક્યાંક ને ક્યાંક તેનામાં અભિમાન આવી ગયું હતું. યુદ્ધ દરમિયાન દરરોજ યુદ્ધમાંથી પાછા ફરતી વખતે ભગવાન શ્રીકૃષ્ણ સૌપ્રથમ રથમાંથી ઊતરી સારથિભાવે અર્જુનને ઉતારતા, પરંતુ યુદ્ધના અંતિમ દિવસે તેઓએ અર્જુનને પહેલાં રથમાંથી ઊતરી દૂર ચાલ્યા જવાનું કહ્યું. અર્જુને કચવાટ સાથે તેમ કર્યું. શ્રીકૃષ્ણ જેવા રથમાંથી નીચે ઊતર્યા કે તરત જ આખે-આખો રથ બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ જોઈ અર્જુન તો આશ્ર્ચર્યચકિત થઈ ગયો, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું, પાર્થ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય અને કર્ણનાં દિવ્યાસ્ત્રોથી તારો રથ તો ક્યારનોય બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ મારા સંકલ્પે તેને યુદ્ધ પૂરું થતાં સુધી જીવંત રાખ્યો હતો. થોડી ક્ષણો પહેલાં પોતાની શ્રેષ્ઠતાના મદમાં રાચતો અર્જુન નતમસ્તક થઈ શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો અને પોતાના મિથ્યાભિમાન પર પસ્તાવો કરવા લાગ્યો. આપણે પણ સફળતા બાદ ક્યારેક ‘બધું જ મેં કર્યું છે’ના અભિમાનમાં રાચતા હોઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે તો નિમિત્ત માત્ર હોઈએ છીએ. કાર્ય કરનાર તો સર્વશક્તિમાન ભગવાન જ હોય છે. કાશ! આપણી અંદરનો અર્જુન આ સત્યને સમજી જાય.
આજે શ્રીહરિની સાથે કર્મબોધને યાદ કરવાનો દિવસ છે. માગશર સુદ એકાદશીને ‘મોક્ષદા’ કહે છે અને આજ દિવસે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રનાં મેદાનમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો માટે આ દિવસને ગીતા જયંતી તરીકે આપણે ઉજવીએ છીએ. શ્રીકૃષ્ણે કહ્યું છે કે, મહિનામાં ‘માગશર’ મહિનો હું છું. એકાદશીએ માનવતાને નવી દિશા આપવા માટે કર્મબોધ ગીતાનો ઉપદેશ થયો હતો.
ગીતા જયંતી એટલે મહત્ત્વની છે કે તે જ્ઞાનનો અદ્ભુત ભંડાર છે. આપણે દરેક કામમાં ઉતાવળ કરીએ છીએ પરંતુ શ્રીહરિ કહે છે તો ધીરજ વગર અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ, કામ અને લોભથી નિવૃત્તિ નથી મળી શક્તી. મંગલમય જીવનનો ગ્રંથ છે. જે કલિયુગમાં પાપોનો નાશ કરનારી અદ્ભુત માધ્યમ છે.
દુર્લભ મનુષ્યજીવન આપણને ફક્ત ભોગ વિલાસ માટે નથી મળ્યું, પરંતુ ભક્તિ, સેવા, પ્રેમ માટે મળ્યું છે. જેને સેવામાં વધારે લગાવવું જોઈએ. આ ગ્રંથ અધ્યાત્મ અને ધર્મની શરૃઆત સાથે સત્ય, દયા, પ્રેમ સાથે જ સંભવ છે. આ ત્રણ ગુણ હશે તો જ ધર્મ વિસ્તરશે, ફળશે.
ગીતાજીને જાણીએ તો કૃષ્ણે ૧૮ અધ્યાયમાં કહેવાયેલી છે. જેમાં (૧) અર્જુન વિષાદયોગ (૨) સાંખ્યયોગ (૩) કર્મયોગ (૪) કર્મબ્રહ્માર્પણ યોગ (૫) સંન્યાસ યોગ (૬) આત્મસંયમ યોગ (૭) જ્ઞાાન-વિજ્ઞાાન યોગ (૮) અક્ષર બ્રહ્મ યોગ (૯) રાજવિદ્યા રાજગુહ્યયોગ (૧૦) વિભૂતિ યોગ (૧૧) વિશ્વરૃપદર્શન (૧૨) ભક્તિ યોગ (૧૩) ક્ષેત્ર ક્ષેત્રજ્ઞા યોગ (૧૪) ગુણત્રયવિભાગ યોગ (૧૫) પુરુષોત્તમ યોગ (૧૬) દૈવાસુર સર્પાદ્ધભાગ યોગ (૧૭) શ્રદ્ધાત્રયવિભાગ યોગ (૧૮) મોક્ષસંન્યાસ યોગ.
દરેક મનુષ્યની નજરે ગીતા અલગ છે કારણ કે, “તુંડે તુંડે મતિ ભિન્નાઃ” ન્યાયે જેટલી સમજણ હશે. વહેવાર, વાતાવરણ, ઉછેર અભ્યાસ વગેરેને અનુરૃપ મનુષ્ય પોતાની બુદ્ધિને અનુરૃપ ગીતાનું પઠન કરે છે. સમજે છે સાંભળે છે. મનુષ્યને આત્મા હોવાનું જણાવતાં શ્રીકૃષ્ણ સાંખ્યયોગમાં કહે છે કે,
ન જાયતે મ્રિયતે વા કદાપિ
ન્યાયં ભૂત્વાં ભવિતા વા ન ભયઃ ।
અજો નિત્યં: શાશ્વતોડયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ।। ૨૦ ।।
અર્થાત્ આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી; અથવા પૂર્વે નદી હોઈ, ફરી નહીં હોય તેવું પણ નથી, આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે, તેથી શરીર ડણાયા છતાં મરાતો નથી.
જીવનમાં જે કર્મ કરો છો તે પુણ્ય થઈ સેવા બને તેવું કરો. પરંતુ ન્યાય માટે જો વિષાદ ઉત્પન્ન થાય છે તો ઈશ્વર પણ સાથ છોડશે. બીજા અધ્યાયમાં ત્રણ ભાગ પડેલા છે. (૧) આત્માનું અમરત્વ (૨) શરીરનો ધર્મ (૩) કર્મ કરવું પણ આસક્તિ ન રાખી ધર્મથી ટકવું. સાધુ કહે મારે જ્ઞાાન જ મેળવવાનું શ્રમ નહીં, તો સમન્વય કરતાં પણ વાર લાગે છે. અભ્યાસથી જ્ઞાાન વધશે તો આત્માનું કલ્યાણ કરી શકશો. તેવું ગીતામાં કહેવાયું છે. મૂર્તિપૂજાનો ઉલ્લેખ પણ છે. ઈશ્વર ક્યાં છે? કેવો છે? તેનાં હજાર ગુણ છે. ભગવાન દીનાનાથ છે. તેનાં ગુણ પ્રમાણે નામ છે. તેથી તેને ઓળખવો હોય તો શી રીતે ઓળખવો? સત્યનારાયણની કથા એ કથા નથી પણ સત્યનું વ્રત છે. દયા એ ધર્મ નથી પણ તેનું મૂળ છે. કરુણા થાય તે ધર્મ છે માટે દુઃખો દૂર કરે છે. બીજાની અનુકંપા થતા દુઃખનું નિવારણ થાય છે.
ગીતા વાંચવાથી જીવન જીવવાનું બળ મળે છે. નવા શક્તિ-સંચાર સાથે નિરાશ માણસ ઊભો થઈ વેગથી કામ કરે છે. વાંચન શ્રેષ્ઠ છે. ગુણો વાંચવા વાંચ્યું કહેવાય. પરંતુ ગીતા વાંચ્યા પછી મનન કરવું. ચિંતન કરવું, સ્વાધ્યાય કરવું એ જ મહત્ત્વનું છે. સ્વાધ્યાય એટલે આત્માનો સ્વાધ્યાય. બીજાના ભલા માટે જાતને હોમી દેવી એને ‘લોક કલ્યાણ’ કહે છે.
ગીતાનાં દરેક અધ્યાય મનુષ્ય આચરણ માટે દીવાદાંડી સમાન છે. કુંવારા રહેવું એટલે બ્રહ્મચારી ન કહેવાય. પરંતુ બ્રહ્મ એટલે પરમાત્મા અને તેના તરફ પગલું ભરે તે બ્રહ્મચારી. જે બ્રહ્મ તરફ જાય છે પછી તેને શરીરના ભોગ નથી રહેતો એ શીખવા માટે ગુરુ પાસે જાય છે. એનું મોં શરીર તરફ નથી. જીવવા માટે ખવડાવે છે. વિશ્વનું હિત કેમ થાય છે એ જુએ છે. લોકનું કલ્યાણ હિત થાય તે જુએ તે બ્રહ્મચર્ય. એના માટે પવિત્ર ગુરુવારે જાય અને ટેવ પાડે છે. શ્રેષ્ઠ માનવી જે જે આચરણ કરે છે. તેનું અનુકરણ બીજા લોકો કરે છે. તેને જે પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે. ગાંધીજીએ ગીતામાંથી પ્રેરણા લીધી. કર્મયોગને જાણ્યો તો તેમનાં જીવનમાં છાપ દેખાય છે એક ઉદાહરણમાં ગાંધીજી અંગ્રેજીના કાયદાનો ભંગ આઝાદી મેળવવા કરતાં અને જેલમાં જતા. જે શિક્ષા થતી તે આનંદથી ભોગવતા. ગાંધીજીએ આ ગીતાની હકીક્ત જાણી અને સત્યાગ્રહ બંધ કરાવ્યો. તેઓએ આવું કેમ કર્યું? પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ ગીતાના અધ્યાય ત્રીજાના કર્મયોગને ટાંકતા કહ્યું કે,
ન મે યાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન ।
નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ ।। ૨૨ ।।
હે પાર્થ, મારે ત્રણે લોકમાં કંઈ કરવાનું નથી કે નહીં મળેલું મેળવવાનું નથી; છતાં હું કર્મમાં વર્તું જ છું. ।। ૨૨ ।। સામાન્ય શબ્દોમાં ગાંધીજીએ સત્યાગ્રહીએ જેલમાં શિક્ષા થાય તે ભોગવવી જોઈએ અને ત્યાં જે કામ બતાવે તે કરવું જોઈએ. એ ના કરે તો તેની અસર બીજા લોકો ઉપર ખરાબ પડે છે.
ગીતાને સમજતાં જાણીશું કે, સાહિત્યમાં વિષ્ણુ હું છું, જયોતિમાં કિરણોવાળો સૂર્ય, વાયુઓમાં મરિચી અને નક્ષત્રોમાં ચંદ્ર હું છું, વેદોમાં હું સામવેદ છું. દેવોમાં હું ઈંદ્ર છું, ઈંદ્રિયોમાં હું મન છું અને પ્રાણીમાં હું ચેતના છું. રુદ્રોમાં હું શંકર છું. રાક્ષસોમાં હું કુબેર છું. વસ્તુઓમાં હું પાવક છું. પર્વતોમાં હું મેરુ છું. પુરોહિતોમાં હું મુખ્ય બૃહસ્પતિ છું. સેનાપતિમાં હું કાર્તિકેય છું અને જળાશયોમાં હું સાગર છું. મહર્ષિમાં હું ભૃગુ છું. વાણીમાં હું ૐ છું. યજ્ઞોમાં હું જયયજ્ઞા છું. સ્થાવરોમાં હું હિમાલય છું. હું સર્વવૃક્ષમાં પીપળો, દેર્વિષમાં નારદ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલમુનિ છું. અશ્વોમાં અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચેશ્રવા. હાથીમાં ઐરાવત મનુષ્યમાં હું રાજા છું. આયુધોમાં વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાન ઉત્પન્ન કરનારો હું કામદેવ છું. સર્પોમાં વાસુકિ, નાગોમાં અનંત, જળચરોમાં વરુણ, પિતૃમાં અર્થમાં વશ કરનારા એમાં યમ હું છું. સૃષ્ટિનો આદિ, મધ્ય તથા અંત હું જ છું. ઈત્યાદિ ઉદાહરણો દ્વારા શ્રીકૃષ્ણે સમગ્ર સૃષ્ટિની વ્યાખ્યા સંચાલન શ્રી ગીતામાં જણાવેલું છે.
જેનું ચિંતન, મનન કરવાથી જીવવાનું બળ મળે. નવી પેઢીને ‘ગીતા’ વિશે જણાવું તો ખૂબ પ્રેક્ટિકલ ગ્રંથ છે. જેમાં આજની યુવાપેઢીને અનુસરવાનું ગમશે. કારણ કે આ જીવતાં શીખવે છે. પ્રેમ કરતાં શીખવે છે. સત્ય બોલતાં શીખવાડે. તો અસત્ય માટેની શરતો પણ છે. શૌર્ય, બહાદુરી શીખવે છે. તો માધુર્ય અને સ્વસ્થતા પણ શીખવે છે. જીવન કેવું જીવ્યા તે બાદ મરતાં પણ શીખવે છે. આ યજ્ઞામાં સમજવા માટે મરણ બાદ ‘ગીતા’ન બેસાડાય. ‘ગરુડપુરાણ’ બેસાડાય તે પણ જણાવેલ છે. ‘ગીતા’ તો જીવતાં જ જીવનની કલા છે.
ગીતામાં જણાવ્યું છે કે, “સમાજનો નાશ અટકાવવા અસત્ય બોલી શકાય છે.” એટલે ગીતામાં ગવાયું છે કે, સર્વધર્મ છોડીને મારી શરણે આવીજા. સ્વતંત્રતા આપવાથી વ્યક્તિત્વ ખીલે છે. ‘ગીતામાં ’ આપવામાં આવ્યું છે. નવી દ્રષ્ટિ આપે છે. ગીતામાં જૂના વિચારો ત્યાગી નવા વિચારો, સંસ્કૃતિ રાખવી તે દર્શાવે છે. કેવળ ક્રિયાઓને ત્યાગવાવાળો સંન્યાસી નથી પરંતુ ક્રિયાફળને ત્યાગવાવાળો સંન્યાસી છે. જૂના બંધનો છોડી નવી દિશામાં મંડાણ કરવા. ભાષાંતરો અલગ-અલગ કરવાથી સમજણ બદલાતાં અર્થનો અનર્થ આજે થયો છે. ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન્’ શ્લોકમાં કર્મ પર આપણો અધિકાર છે પરંતુ ફળ ઉપર નથી તે સ્પષ્ટ સમજાવ્યં છે. કર્મનું Passion રાખવું પણ દરેક કર્મનું ફળ તમારા પક્ષમાં જ આવશે તેનું ટેન્શન રાખવું. આ સહેલી વાત ને શીરાની સાથે સરખાવી છે. કોઈનું નુકસાન ન થાય તે ખાસ ધ્યાન રાખવું.
ગીતાને સરળ શબ્દોમાં કર્મનો બોધપાઠ લેવામાં આવે તો અધ્યાય ત્રીજાનો છઠ્ઠો શ્લોક સમજવો જોઈએ.
કર્મેન્દ્રિયાણિ સંયમય ય આસ્તે મનસા સ્મરન ।
ઈન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ।। ૬ ।। – જે પરાણે ભોગનું દમન કરે છે પરંતુ મનમાં ભોગનું ચિંતન કરે છે તે મિથ્યાચારી છે. ઢોંગી છે. તેનાં કરતાં મનથી જીવી લેવું તે કર્મ છે. આસક્તિ છોડીને નિયત કર્મ કરતાં રહેવા તે જ શ્રેષ્ઠ કર્મધર્મ છે.
આગળ જણાવ્યું તેમ વિતંડાવાદ, સિવાય ફક્ત નિષ્કામ ધૈર્ય, સેવા, પ્રેમ, ભક્તિ, શૌર્યથી જીવવા માટે ‘ગીતા જ્ઞાન’ અદ્ભુત ભંડાર છે. ગીતા ભક્તોનાં પ્રેમમાં ભગવાન દ્વારા ગાયેલું ગીત છે. જીવનનાં ઉત્થાન માટે આનો સ્વાધ્યાય દરેક વ્યક્તિએ કરવો જોઈએ. એ જ ‘ગીતા જયંતી’ ના દિવસે યાદ કરવાનો ઉદેશ્ય છે.