
માતર થી વડોદરા રૂટ પર દોડતી એસ.ટી બસના બે-બે ફાસ્ટટેગ બગડી જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાસ્ટટેગ સ્કેન ન થતા એસ.ટી.બસ વાસદ ટોલનાકાથી આગળ નહોતી જઈ શકી.જેથી ટોલનાકાની વચોવચ બસ બ્રેકડાઉન થઇ જતા મુસાફરો અટવાઈ ગયા હતા.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, માતર થી વડોદરાના રૂટ પર દોડતી એસ.ટી બસ મુસાફરોને લઈને વાયા નડિયાદ થી વડોદરા તરફ આવી રહી હતી. દરમિયાન વાસદ ટોલનાકા પાસે તેનો ફાસ્ટટેગ સ્કેન ન થતા બસ ટોલનાકાની વચોવચ રોકાઈ ગઈ હતી. એસ.ટી બસના કન્ડકટરે મુસાફરને જણાવ્યું કે, એસ.ટી બસના લોકલ રૂટ પર ચાલતી બસના ફસ્ટટેગ બેન્કના કોન્ટ્રેક્ટ પર ચાલતા હોય છે. અને તેમાં અનેકવાર ફાસ્ટટેગને લઈને ઈશ્યુ આવતો હોય છે.
વધુમાં મુસાફરને જણાવ્યું કે, આ બસ સવારે તેના રૂટ પર નીકળી ત્યારે તેનું ફાસ્ટટેગ પહેલાથી બગડેલું હતું. જેના કારણે બસના કન્ડકટરે તેની પાસે એક અલગથી ફાસ્ટટેગ રાખ્યું હતું. પરંતુ બસ વાસદ ટોલનાકા પર આવતા તે બીજું ફાસ્ટટેગ પણ સ્કેન ન હતું થઇ શક્યું. જેથી બસ ટોલનાકાની વચોવચ અટવાઈ ગઈ હતી. સરકારના નિયમ અનુસાર કોઈ પણ વાહન ઉપર ફાસ્ટટેગ ન હોય તો ટોલનાકા પરથી પસાર થવા તેને રૂટના ડબલ પૈસા ચૂકવવા પડતા હોય છે. આથી એસ.ટી બસના ડ્રાઈવર સહીત કન્ડકટરે તે પૈસા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા ન પડે તે કારણોસર બસને ટોલનાકા પરથી પાછી વાળી લીધી હતી.
બસના મુસાફરોને અડધોથી પોણો કલાક સુધી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક લોકોને તેમના વતન જવા ટ્રેન પકડવાની હતી તથા બીજાને ઘરે પરત જવાનું હતું. અને ઘણા લોકોને તેમના અંગત કામ માટે મોડું થઇ ગયું હતું. તેને ધ્યાનમાં રાખી ડ્રાઈવર સહીત કન્ડકટરે વડોદરાના રૂટ પર આવતી બીજી એસ.ટી બસોમાં મુસાફરોને શિફ્ટ કર્યા હતા અને બધા પાસે હાલાકીના બદલ માફી માંગી હતી. કન્ડક્ટરે મુસાફરને જણાવ્યું કે, અમારી જવાબદારી બને છે કે અમારી બસના મુસાફરો સહીસલામત તેમના સ્થળ સુધી પહોંચવા જોઈએ. આ કાર્ય અમારી સેવાના ભાગ રૂપે આવે છે. અમે પુરી નિષ્ઠાથી અમારી નોકરી કરતા રહીશુ અને મુસાફરોને હાલાકીનો સામનો ન કરવો પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખીશુ.