
દિવાળીને લઈને બાળકોમાં ઉત્સાહ ખૂબ જ જોવા મળતો હોય છે પરંતુ ફટાકડા ફોડવાની મોજ મસ્તીમાં ક્યારેક જીવનું જોખમ બાળકો ઉભું કરી બેસતા હોય છે. સુરતના યોગીચોક વિસ્તારની તુલશી દર્શન સોસાયટી બહાર ચોંકાવનારી ઘટના સામે આવતા માત્ર બાળકોએ નહીં પરંતુ માતા-પિતાએ પણ સતર્ક થઇ જવાની જરૂર છે. બાળકો ગટરના ઢાંકણ પાસે ફટાકડા ફોડવા માટે ટોળામાં એકત્રિત થયા હતા ત્યાં ફટાકડા ફોડવા જતાની સાથે જ એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે પાંચ બાળકો આગની જ્વાળામાં દાઝી ગયા હતા. આ આગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સોસાયટીના આસપાસમાં ખોદકામ ચાલુ હતું તે દરમિયાન ગેસ લીક થયો હતો. તે ગેસ ગટર લાઇનમાં પ્રસરી ગયો હતો. જેના કારણે આ ઘટના બની છે
યોગી ચોક વિસ્તારની તુલશી દર્શન સોસાયટીના ગેટ પાસે બે દિવસ પહેલાં ફટાકડા ફોડવા માટે પાંચ બાળકો એકત્રિત થયા હતા. સોસાયટીની અંદર બાળકો ટોળું કરીને બેસ્યા હતા. ત્યારબાદ તેમની સોસાયટીની બહારથી પસાર થતી ડ્રેનેજ લાઇનના ઢાંકણ ઉપર તેઓ એકત્રિત થયા હતા. બાળકોએ ફટાકડા ફોડવાનો પ્રયાસ કરતા આગની જ્વાળાઓ નીકળી હતી અને બાળકો દાઝી ગયા હતા.
યોગીચોક તુલસી દર્શન સોસાયટી વિભાગ-2માં જીયો ટેલિકોમના અંદર ગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાનું કામ ચાલતું હોય કોન્ટ્રાક્ટર ક્રિષ્ના ટેલિકોમ કંપની દ્વારા કામ ચાલતું હતું. તુલસી દર્શન સોસાયટીના શેરી નંબર 7ના ગેટ પાસે મશીન ગુજરાત ગેસ કંપનીના પાઈપમાંથી લાગી જતા ગેસ વરસાદી ગટરના ઢાંકણમાંથી લીકેજ થતા બાજુમાં નાના બાળકો ફટાકડા ફોડતા આગ લાગી હતી. જેમાં પાંચ બાળકો મોઢાના ભાગે સામાન્ય દાઝી ગયેલ જેમને ફાયરની ફાયર એન્જિન પહોંચતા પહેલા નજીકના દવાખાને તેમના સગા સારવાર માટે લઇ ગયા હતા. ફાયર એન્જિન પહોંચતા પહેલા ત્યાંના રહીશોએ આગ બુઝાવી દીધી હતી.
દાઝી ગયેલા બાળકોના નામ
- રંગપરીયા ગુંજ સંજયભાઈ (11)
- રંગપરીયા વેદ ચેતનભાઇ (9)
- ડોબરીયા વ્રજ મનસુખભાઈ (14)
- સ્મિત મનસુખભાઈ બાબરીયા (8)
- ઠેશીયા હેતાર્થ દિનેશભાઈ (10)