
સરથાણા વિસ્તારમાં આવેલ સત્યા ટાયર્સના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ભીષણ આગની જાણ થતા જ છ ફાયર સ્ટેશનની ૧૨ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા.
સરથાણા પોલીસ સ્ટેશનથી કેનાલ તરફ જતા રોડ પર આવેલ સત્યા ટાયર્સમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. જેને કારણે અફરાતફરી મચી ગઈ હતી. જયારે આગની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે આગ ધીમે ધીમે પ્રસરતા વિકરાળ બની હતી. જેથી અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓને પણ બોલાવવાની જરૂર પડી હતી. આ ભીષણ આગ પર કાબુ લેવા માટે ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો. જયારે આ વિકરાળ આગ પર કાબુ લેવા માટે ૬ ફાયર સ્ટેશનની કુલ ૧૨ ગાડીઓ કામે લાગી હતી. વિકરાળ આગને પગલે ફાયર જવાનોની સાથે ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે આગ ક્યા કારણોથી લાગી હતી. તે જાણી શકાયું નથી.