
શહેરની શ્વાનપ્રેમીએ પોતાના શ્વાનને હાડકાનું કેન્સર થતાં આણંદની વેટરનરી કોલેજ ખાતે લઇ જઇને સારવાર કરાવી હતી. આ શ્વાન સાજો થઇ જતાં યુવતીએ પાવાગઢ જઇને મહાકાળી માતાના મંદિરે જઇને દર્શન કરીને બાધા પૂરી કરી હતી.
વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતી આહૂતિ યાદવના ઘરે ડેઝી નામનો એક માદા કૂતરો છે. એક વર્ષ પહેલાં તેના પગના હાડકામાં સડો થતાં ડેઝીની સારવાર વડોદરાના મોટાભાગના પશુ ચિકિત્સકોએ કરી હતી, પણ કોઇ ફરક પડતો ન હતો.
તેણે જણાવ્યું કે, ‘હું તેને લઇને પંડ્યા બ્રિજ પાસેની વેટરનિટી હોસ્પિટલ ખાતે પણ લઇ ગઇ હતી. પણ ત્યાં સુવિધા ન હોવાથી મને આણંદ વેટરનરી હોસ્પિટલમાં લઇ જવાનું કહેવામાં આવ્યું. તેથી હું ત્યાં ગઇ. આણંદ સરકારી વેટરનિટી હોસ્પિટલના સર્જરી હેડ ડો. પી.વી. પરીખની આગેવાનીમાં ડો. હિરેન બારોટ, ડો. ડાભી, ડૉ. આર્નોલ્ડ, ડૉ. પંકજ અને ટીમ દ્વારા આ શ્વાનની બે વાર ઓપરેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી હવે તેની સ્થિતિ સારી છે અને ત્યાર બાદ હવે આગળની સારવાર પણ તકેદારી પૂર્ણ થઈ રહી છે. આ સર્જરી સફળ થતાં મેં પગપાળા પાવાગઢ જઇને માતાજીના મંદિરે દર્શન કર્યા છે.’
ડેઇઝીને નવજીવન મળે તેવી કોઇ આશા જ ન હતી. ત્યારે આહૂતિએ આણંદ સતત એક મહિના સુધી જઇને વહાલાસોયા શ્વાનની સારવાર કરાવી હતી. તેણે જણાવ્યું કે, ‘ડેઝી પર કુલ બે ઓપરેશન કરાયા છે. એક મહિનાથી હું દરરોજ તેને લઇને આણંદ વેટરનરી હોસ્પિટલ ખાતે જતી હતી. આ માટે મેં સ્કૂલમાં શિક્ષિકા તરીકેની નોકરી પણ છોડી હવે ક્લાસિસ ચલાવું છું.