
સેંકડો દીકરીઓના પાલક પિતાની જવાબદારી નિભાવી અનેક સેવાકીય કાર્ય કરતા સુરતના સખાવતી પી.પી.સવાણી પરિવાર દ્વારા એક વર્ષના કોરોનાના કારણે પડેલા અંતરાલ પછી આ વર્ષે ફરી બે દિવસના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન કર્યું છે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૩૦૦ દીકરીઓના લગ્નોત્સવનું આયોજન “ચૂંદડી મહિયરની” નામે આગામી ૪ અને ૫ ડિસેમ્બરના રોજ સુરતના મોટા વરાછા ખાતે આયોજન થયું છે. ગણતરી છે કે આ સમારોહમાં ગુજરાતના ખૂણેખૂણેથી માનવ મહેરામણ ઉમટશે.
હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ચારેય ધર્મની દીકરીઓના એમના ધર્મ-વિધિ અનુસાર લગ્ન યોજાશે. કોવીડ પછીની સ્થિતિને કારણે લગ્ન સમારોહ મર્યાદિત મેહમાનોની હાજરીમાં બે દિવસ અને સવાર-સાંજ એમ ચાર તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં 4446 અનાથ દિકરીઓનું કન્યાદાન કરી ચૂક્યા છે પાલક પિતા મહેશ સવાણી
આ વર્ષે ૩૦૦ દીકરીઓ પૈકીની ૧૦૩ દીકરીઓ એવી છે કે જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી; એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ૪૪૪૬ દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવતા સુરતના પી.પી.સવાણી પરિવાર આજ સુધી લગભગ ૩૦૦૦ જેટલી દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરી ચૂક્યું છે. દીકરીને પોતીકું લાગે અને એના લગ્ન વિશેના તમામ સપના પુરા થાય એવી તમામ વ્યવસ્થા આ લગ્ન સમારોહ છેલ્લા એક દાયકાથી વધુ સમયથી થતી આવી છે.
કોરોના વોરીયર્સના હસ્તે કન્યાદાન
લાગણીશીલ અને કરુણામય બની રહેનારા ચૂંડદી મહિયરની કાર્યક્રમમાં અનેક મહાનુભાવોની સાથે જ કોવીડ-૧૯ માં સેવા આપનાર ૫૨ (બાવન) સંસ્થાના પ્રમુખ – ઉપપ્રમુખ, ડોક્ટર, વકીલ, સી.એ અને પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ ના હસ્તે કન્યાદાન થશે.
આજે તા.1 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ, રમેશભાઈ અને રાજુભાઈએ “ચૂંદડી મહિયરની” લગ્ન સમારોહના સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી. કોઇપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના વિધવા બહેનોની દીકરીઓને પરણાવવામાં આવે છે. એક તરફ વૈદિક વિધિથી લગ્ન થતા હશે તો બીજી તરફ મુસ્લિમ દીકરીઓના નિકાહ પઢાતા હશે. અનેક રાજસ્વી મહાનુભાવો, સનદી અધિકારીઓની સાથે અમે કોવીડની મહામારી દરમિયાન સેવા આપનાર અનેક મહાનુભાવોને કન્યાદાન માટે આવવા આમંત્રણ આપ્યું છે.
વિગતો આપતા મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, અમે દરવર્ષે અમે લગ્ન સમારોહ તો કરીએ જ છે, ગયા વર્ષે કોવીડના કારણે આયોજન કરી ન શકાયું પણ આ વખતે પણ તમામ તકેદારી રાખીને ચાર ભાગમાં સમારોહને વર્ગીકૃત કર્યું છે જેથી વ્યવસ્થા પણ સચવાઈ અને સલામતી પણ રહે. કરિયાવરતો અમે આપીએ છીએ પરંતુ લગ્ન પછી પણ અમે દીકરી અને જમાઈની કાળજી લઈએ છીએ. પિતાપણું ક્ષણ કે દિવસ પૂરતું ન હોય એ બંધન આજીવન હોય છે એમ અમે માનીએ છીએ. આ દીકરીઓના પિતા તરીકેને શક્ય એવી તમામ જવાબદારી લગ્ન દરમિયાન અને લગ્નબાદ પણ અમે આખા પી.પી.સવાણી પરિવાર દ્વારા નિભાવાય છે. મારા પિતા વલ્લભભાઈનું સતત માર્ગદર્શન અને હૂંફ અમને મળે છે અને મારા બંને ભાઈ રમેશભાઈ અને રાજુભાઈની સાથે અમારા સંતાનો પણ આ કાર્યમાં પૂર્ણ રીતે સહભાગી હોય છે.
31 સમિતિએ થકી વિશાળ સમૂહ લગ્નોત્સવનું જડબેસલાક સંચાલન
“ચૂંદડી મહિયરની” કાર્યક્રમની તૈયારી તો મહિનાઓ અગાઉથી ચાલી રહી છે. પરંતુ લગ્ન દિવસોએ પણ સમગ્ર વ્યવસ્થા એટલી જડબેસલાક કરવામાં આવી છે કે દુલ્હા-દુલ્હન કે એના પરિવાર સહીત કોઈ મહેમાનને અગવડ ન પડે. સમગ્ર વ્યવસ્થાના સંચાલન માટે 31 જેટલી સમિતિ બનાવી છે અને એની જવાબદારી સોંપવામાં આવી છે. મંડપ, ભોજન, પાર્કિંગ જેવા મોટા કામોની સાથે જ દીપ પ્રાગટ્ય કોણ કરાવશે કે મહેમાનને કોણ બેસાડશે ત્યાં સુધીનું આયોજન છે. સમગ્ર આયોજન સવાણી પરિવાર, વિવિધ સંસ્થાઓ અને સ્નેહીજનો ઉપાડતા હોય છે.
પી.પી. સવાણી પરિવાર સામાજિક ઉત્તરદાયિત્વ બખૂબી નિભાવે છે
પી.પી. સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્ન જ કરાવે છે એવું નથી, પરંતુ સુરત શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ દીકરાઓની ધોરણ ૧૦ સુધીની અભ્યાસ ફી અને દીકરીઓની કોલેજ સુધીના અભ્યાસની ફી ભરવામાં આવે છે. શિક્ષણની સાથે વિધવા બહેનોના પરિવારની આરોગ્યની જવાબદારી પણ પી. પી. સવાણી પરિવાર ઉપાડે છે. પી. પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરતા હોઈ છે. પિતા ગુમાવનાર સુરતના ૮૬૦૦ થી વધુ પરિવારના પાલક પિતા તરીકેની જવાબદારી નિભાવે છે.
• પ્રસંગે પધારેલ મહાનુભાવોના હસ્તે દીકરીઓનું કન્યાદાન કરવામાં આવશે…
• અખંડ ભારતની મુહિમ સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપનાર પ્રજા વત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનાવારસદાર અને ભાવનગર રાજયના યુવરાજ સાહેબ જયવીર રાજસિંહજી, રાજમાતા સહ પરિવાર સમારોહમાં હાજરી આપશે.
• બંને દિવસ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એક દિવસ ૮૫વર્ષથી વધુ ઉમરના દાદા-દાદી અને વિવિધ ૪૫ સમાજના પ્રમુખ હસ્તે અને બીજા દિવસે વિધવા બહેનો અને નાની દીકરીઓના હસ્તે થશે.
• જાણીતા લોકગાયિકા યોગિતા પટેલ રચિત સમારોહનું થીમ સોન્ગ ” ચુંદડી મહિયરની” નું લોકાર્પણ થશે. સાથે જ એક શોર્ટ ફિલ્મનું પણ લોકાર્પણ થશે.
• માનવતા ધર્મ – હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ચારેય ધર્મની વિધીમુજબ ચાર યુગલોના લગ્ન થવાના છે એની નાટ્યાત્મક પ્રસ્તુતિ થશે.
-: કાર્યક્રમ :-
- ૧) મહેંદી રસમ : ૦૨, ડીસેમ્બર- ૨૦૨૧, ગુરુવાર (સમય : સવારે ૮:૦૦ કલાકે)
- સ્થળ :- “ગોપિન રિવર વિલે” પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્રાઉન્ડની સામે,
- મોટાવરાછા થી અબ્રામા રોડ, અબ્રામા, સુરત.
• ૩૦૦ દીકરીઓ, એમની બહેનો, અગાઉ પરણી ચુકેલી બધી દીકરીઓ એકસાથે મહેંદી મુકવામાં આવશે. આ જ પ્રકારની મેહદી રસમને ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
- “ચૂંદડી મહિયરની” : ૦૪ અને ૦૫, ડીસેમ્બર- ૨૦૨૧, શનિવાર અને રવિવાર
- (સમય : સવારે ૭:૦૦ કલાકે) અને (સમય : સાંજે ૫:૦૦ કલાકે)
- સ્થળ :- પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ, અબ્રામારોડ, સુરત.