
દેશમાં ૫૦૦ કરોડ રુપિયાની વાર્ષિક નેટવર્થવાળી કંપનીઓ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ખાતે ખર્ચ કરવો ફરજિયાત છે. એક એપ્રિલ ૨૦૧૪થી લાગૂ CSR એકટ, ભારતીય કંપનીઓની સાથે-સાથે ભારતમાં કાર્યરત વિદેશી કંપનીઓ પર પણ લાગૂ કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન CSR ખાતે સૌથી વધુ ખર્ચ કરનાર કંપની મુકેશ અંબણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) છે.
RILએ કોરોના કાળ દરમિયાન સમાજસેવા પર ૯૨૨ કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઇન્ડિયા ઇંકના સીએસઆર પર કુલ ખર્ચ ૮,૮૨૮.૧૧ કરોડ રુપિયા રહ્યો. સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડાથી આ માહિતી સામે આવી છે. ઇન્ડિયા ઇંક દ્વારા સીએસઆર ખર્ચ કરવામાં આવેલી રકમનો ૧૦ ટકા હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જ ખર્ચ કર્યો છે.
CSR ખર્ચ મામલે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન રિલાયન્સ પછી બીજા અને ત્રીજા નંબર પર દેશની IT કંપનીઓએ ખર્ચ કર્યા છે. ટાટા ગ્રુપની પ્રમુખ કંપની TCSએ CSR પેટે ૬૭૪ કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. જયારે અઝીમ પ્રેમજીની Wiproએ ૨૪૬ કરોડ રુપિયા ખર્ચ કર્યા છે.
સીએસઆર ક્ષેત્રે એ કંપનીઓ ખર્ચ કરવો જરુરી છે જેમની વાર્ષિક નેટવર્થ ૫૦૦ કરોડ રુપિયા કે વાર્ષિક આવક ૧૦૦૦ કરોડ રુપિયા અથવા વાર્ષિક નફો ૫ કરોડ રુપિયા હોય છે. કંપનીઓએ વિતેલા ૩ વર્ષના સરેરાશ નેટ પ્રોફિટનો ૨% ભાગ ફરજિયાતપણે સીએસઆર માટે ખર્ચ કરવો પડે છે. કોરોના કાળને લીધે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૨%થી વધારે ખર્ચ કર્યો છે. તો બીજી તરફ ઇન્ડિયા ઇંકના કુલ CSR ખર્ચમાં ગત વર્ષની સરખામણીએ ૬૪%નો ઘટાડો નોંધાયો છે. (૨૨.૯)
નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં CSR પેટે ખર્ચ કરનારી ટોપ ૧૦ કંપની
. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ – ૯૨૨ કરોડ રૂપિયા
. ટીસીએસ – ૬૭૪ કરોડ રૂપિયા
. ઇન્ફોસિસ – ૩૬૧.૮ કરોડ રૂપિયા
. આઇટીસી – ૩૩૫.૪ કરોડ રૂપિયા
. વિપ્રો – ૨૪૬.૯ કરોડ રૂપિયા
. ટાટા સ્ટીલ – ૨૨૧.૯ કરોડ રૂપિયા
. હિંદુસ્તાન ઝિંક – ૨૧૪ કરોડ રૂપિયા
. એચસીએલ – ૧૯૪.૫ કરોડ રૂપિયા
. હિંદુસ્તાન યૂનીલીવર – ૧૬૨.૧ કરોડ રૂપિયા
. ગેલ ઇન્ડિયા – ૧૪૬.૯ કરોડ રૂપિયા