
અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલા યાર્ડમાં એક જ દિવસમાં ૩૮૫૦ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. અહી કપાસનો પ્રતિ મણનો ભાવ બે હજારને પાર પહોંચ્યો હતો. આ વર્ષે ખેડૂતોને કપાસનો સારો ભાવ મળી રહ્યો હોવાથી તેમના ચહેરા પર આનંદ જાવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થયું હતું. આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી કપાસનું પણ મબલખ ઉત્પાદન થયુ છે. છેલ્લાં ઘણા દિવસોથી કપાસની માર્કેટમાં તેજી આવતા કપાસનો પ્રતિ મણનો ભાવ બે હજારને પાર પહોંચી ગયો છે.
અમરેલી માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે ૨૭૩૦ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. અહી ૧૨૦૦ થી ૨૧૦૦ સુધી ખેડૂતોને ભાવ મળ્યા હતા. પરંતુ સરેરાશ ખેડૂતોને રૂપિયા ૧૭૧૭નો ભાવ મળ્યો હતો. બીજી તરફ સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં ૧૧૨૦ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. અહી કપાસનો પ્રતિ મણનો ભાવ રૂપિયા ૧૪૧૧ થી ૨૦૩૩ સુધી રહ્યો હતો. જિલ્લાના બંને મુખ્ય યાર્ડમાં એક જ દિવસમાં ૩૮૫૦ ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. કપાસની ચિક્કાર આવકને કારણે બંને યાર્ડમાં સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેવુ દૃશ્ય જાવા મળતુ હતું.