
ગુજરાતમાં આગામી બે દિવસમાં હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. ઉત્તર ભારતના પહાડોમાં ભારે બરફવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના મતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારમાં હાડ થિજાવતી ઠંડી પડશે.
ગત રાત્રિએ અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું જ્યારે ગાંધીનગરમાં 7 અને અમદાવાદમાં 9.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 16મી જાન્યુઆરી સુધી રાજ્યમાં 10 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન રહેશે.હવામાન વિભાગે સતત બે દિવસ અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના યલો એલર્ટ હેઠળના વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની પણ આગાહી કરી છે. તેની સાથે તાવ અને શરદીના દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, બુઝુર્ગો સહિતના લોકોને કોલ્ડવેવની અસરથી તકલીફ થવાની પણ ચેતવણી આપી છે. આ તકલીફો વાળા લોકોને ઠંડી બચવા હવામાન વિભાગે સ્વેટર સહિતના પ્રેકોશન્સનો ઉપયોગ કરવા માટે જણાવ્યું છે.
16થી 18 જાન્યુઆરી સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ દરમિયાન કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં કાતિલ ઠંડી પડી શકે છે અને જેના કારણે યલો એલર્ટ રહેશે. જોકે, બુધવારથી ઠંડીનું જોર ઘટવા લાગશે અને લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાશે.