
પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઈ રાજ્ય સરકારે વધુ 10 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે.
સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ, જ્યારે મેટ્રોપોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1, જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે, જે પરત ખેંચવામાં આવ્યા છે. હાર્દિક પટેલ સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસ અંગે 15 એપ્રિલના રોજ હુકમ થશે.
થોડા મહિનાઓ પહેલાં કોંગ્રેસનેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો પરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે.