
ખેરગામ તાલુકા મથકેના ઉપ ડાક ઘર ,-પોસ્ટ ઓફિસ ખાતે ખેરગામ ચીખલી તાલુકાના પોસ્ટ કર્મચારીઓ એકઠા થઈને બે દિવસીય રાષ્ટ્ર વ્યાપી હડતાળમાં જોડાઇને રણશીંગુ ફુંક્યું હતું. ચીખલી, ખેરગામ, રૂમલા , રાનકુવા, આલીપોર, દિગેન્દ્રનગર, ખારેલ ટપાલઘરનાં કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા જેને લીધે બંને તાલુકામાં પોસ્ટ ઓફિસ ની તમામ સેવાઓ બંધ રહી હતી અને પોસ્ટ ગ્રાહકને ધરમ ધક્કો થયો હતો જે મંગળવાર સુધી ચાલશે.
ગુજરાત પોસ્ટલ સર્કલના આહવાનથી દરેક યુનિયન દ્વારા :પોસ્ટલ પરિવાર એક જ પરિવાર:ની ભાવના સાથે નૈતિક માંગણીઓ સંતોષવા હડતાલ કરી છે જેમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવા, ખાનગીકરણ અને ફ્રેન્ચાઇઝી ખોલવાનું બંધ કરવા, ઇન્ટરનેટ કનેકટીવિટીની સ્પીડ વધારી વારંવાર થતી ફિનાકલ સર્વરની સમસ્યા કાયમી દૂર કરવા- જેના લીધે ગ્રાહકો અને કર્મચારીઓ બંને દુઃખી થાય છે. કોરોનામા મૃત્યુ પામેલ કર્મચારીઓ ને રૂપિયા ૧૦ લાખનું વળતર ચૂકવવા- કુટુંબના સભ્યને નિમણૂક આપવા. જીડીએસની ખાલી જગ્યાઓ ભરવા, ૧૮ મહિનાથી મોંઘવારી ભથ્થું ચુકવેલું નથી તે તાત્કાલિક ચુકવવા. ટાર્ગેટ મેળા આઈપીપીબી જેવા અન્ય કાર્યક્રમોથી કર્મચારીઓને બાકાત રાખવા જેવા અનેક પ્રશ્નો માટે સમાધાન પોસ્ટલ સંયુક્ત સંઘર્ષ સમિતિ ગુજરાત સર્કલ નેશનલ ફેડરેશન ઑફ પોસ્ટલ એમ્પ્લોઇઝ અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા માંગવામાં આવ્યું છે.
પોસ્ટલ સ્ટાફના કૃણાલભાઈ, સંજયભાઈ, સંદીપભાઈ, ભાવેશભાઈ, દિલીપભાઈ, ગીતાબેન, ઉર્મિલાબેન તથા પોસ્ટમેન સ્ટાફના પ્રમોદભાઈ, જીડીએસ સ્ટાફનાં અનિલભાઈ, ચિંતનભાઈ, અનિલભાઈ, રમેશભાઈ, નીરલબેન, સુમિત્રાબેન ધર્મિષ્ઠાબેન વગરે એ હડતાલને સફળ બનાવી છે.
બોક્સ: આઝાદી પહેલા બ્રિટિશ રાજમાં જે વેઠ પ્રથા હતી તેના જેવી જ વેઠપ્રથા આઝાદી પછીનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પણ કરી રહ્યું છે. ખેરગામના એક ગ્રામીણ ડાક સેવા કર્મચારી બે-ત્રણ વર્ષમાં નિવૃત્ત થશે તો તેને સેવામાં દાખલ થયો ત્યારે માસિક ૧૮૫/-રૂ. ૩૫ વર્ષ પહેલાં ચૂકવાતા હતા અને તેમાં ક્રમશઃ ૩૦૦,૫૦૦, હજાર નો વધારો થતાં ૨૦૧૬માં ૧૩,૦૦૦/- રૂપિયા દર મહિને મળતા જે હાલમાં ૧૯,૫૦૦ની રકમ પગાર પેટે મેળવે છે જેમાં માત્ર મોંઘવારી ભથ્થુ મળે છે અન્ય કોઈ પણ લાભ પોસ્ટ ખાતા ચુકવતા નથી ૨-૩ વર્ષ બાદ નિવૃત્ત થશે તો જાણે સરકાર ઉપકાર કરતી હોય તેમ લાખેક રૂપિયા ઉચ્ચક ચૂકવશે, પણ નિવૃત્તિ થતાં એનો પગાર બંધ થઈ જતા લાખેક રૂપિયામાં એણે કેટલા વર્ષ કેવી રીતે કુટુંબ સાથે જીવવાનું? જેથી કેટલાક તો મોત વહાલુ કરે છે.
ધારાસભ્ય અને હાલના કેબિનેટ મંત્રીશ્રીને પણ દસેક વર્ષથી સૂચન કરેલું કે રુમલા ગામની ટપાલ થેલો વલસાડ થી સીધી રૂમલા બસમાં મોકલો તો સીધી ગામમાં ઉતરે અને ગામમાંથી જ ચઢે તેવું કરો પણ સરળ વહીવટ નહીં કરી શકતા આજે પણ ખેરગામથી એક ગ્રામીણ બેંક કર્મચારી જેને રનર કહે તે લઈ જાય અને ત્યાંથી નવી સેવામાં જોડાયેલ મહિલા પરત ટપાલથેલો લઇ આવીને ખેરગામ ઉપ ડાક ઘરમાં જમા કરાવે છે જો બસમાં સીધી ટપાલ જાય તો આ ૨૮ કિલોમીટર માનવીય શક્તિ નો વેડફાટ- શોષણ ટળી શકે. એટલે કે જેટલા ડાક સેવા કર્મચારી છે તેમનું નિવૃત્ત જીવન ઓછું, ધૂંધળું, ભીખ માંગતું ટપાલ તંત્ર જિંદગીભર શોષણ કરીને કરે છે જેઓને નિવૃત્તિના કોઈ લાભો કે સલામતી સરકાર આપતી નથી.