
ગુજરાત સરકારની ભરતીઓમાં મોટા મોટા છબરડાં બહાર આવતા રહ્યાં છે. ક્યારેક પેપર ફૂટે છે તો ક્યારેક જવાબવહી બહાર ફરતી થાય છે. હવે સરકારી નોકરી ઈચ્છુકોને નોકરીની લાલચે છેતરવામાં આવી રહ્યાં છે.
સરકારી નોકરી અપાવવાની લાલચમાં નોકરી મેળવવા માંગતા યુવક યુવતીઓને શિકાર બનાવતી ગેંગ સક્રિય થઇ છે. ગુજરાત સરકારની તાજેતરમાં ચાલી રહેલ પોલિસ સબ ઈન્સપેક્ટર, લોકરક્ષક, તલાટી, તથા અન્ય ભરતીઓમાં નોકરી અપાવવાની લાલચ આપતી ગેંગના મુખ્ય આરોપીઓની ધરપકડ થઇ છે.
આ આરોપીઓએ ગુજરાત સરકાર દ્વારા યોજાઇ રહેલી સરકારી નોકરીઓમાં ભરતી અંગે ઉમેદવારો પાસેથી નોકરી આપવાની લાલચે મોટી રકમની ઉઘરાણી કરી હતી. આ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત 3 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ઇસમોએ ગુજરાત, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશના ઉમેદવારો પાસેથી રુપિયા પડાવ્યા હતા.
આ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ધરપકડ કરેલાં 3 આરોપીઓ રવિ પ્રતાપ સિંગ રાવત(ઉ.વર્ષ 25), હરીશભાઇ ગોરુજી પ્રજાપતિ(ઉ.વર્ષ 45) અને પૂજા ગફુરજી ઠાકોર (ઉ.વર્ષ 25) છે. જેમાં આરોપી રવિ પ્રતાપ સિંહે ઓનલાઇન ફોર્મ ભરી (1) પો.સ.ઇ ના ઉમેદવાર દીઠ રૂપિયા 10 લાખ (2) એલ.આર.ડી પુરૂષ ઉમેદવાર દીઠ રૂપિયા 5 લાખ (3) એલ.આર.ડી 4 લાખ, તલાટી ક્રમ મંત્રી વર્ગ-૩ ભરતીના ઉમેદવાર દીઠ રૂપુયા 5 લાખ (5) જુનિયર કલાર્ક દીઠ ઉમેદવાર પેટે 2,50,000/-(6) ઇન્ડીયન આર્મી રિક્રુમેન્ટ ભરતી માટે ઉમેદવાર દીઠ 3,50,000 (7) અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન ઉમેદવાર દીઠ 3.50 લાખ મેળવ્યા હતા. આરોપી હરીશભાઇ પાસેથી પણ 2.50 લાખ મળી આવ્યા હતા.
આમ ગુજરાત સરકારની અલગ અલગ ભરતીઓના 81 ફોર્મ મળ્યા હતા, જેમાંથી રાજસ્થાન 60, ઉત્તર પ્રદેશ 04, તથા ગુજરાત રાજ્યનાં 17 ફોર્મ મળી આવ્યા છે. તેમાંથી 81 જેટલાં ઉમેદવારો પાસેથી રૂ,24,90,000 જેટલ રકમ મેળવીને વિશ્વાસઘાત કર્યો હતો.