
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન પાછુ આવ્યા બાદ દુનિયાભરના ઘણા દેશોએ પોતાની એમ્બેસીને તાળા મારી દીધા હતા અને કર્મચારીઓને પાછા બોલાવી લીધા હતા.
આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થતો હતો. જોકે 10 મહિના બાદ ભારતે કાબુલમાં પોતાની એમ્બેસીને ફરી ખોલી નાંખી છે. સંયુક્ત સચિવ સ્તરના અધિકારીના નેતૃત્વમાં એક ટીમ અફઘાનિસ્તાનના કાબુલમાં પાછી ફરી છે અને ભારતના આ પગલાથી તાલિબાન સરકાર ખુશ થઈ ગઈ છે.
ભારતના વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, આ ટીમ માનવીય સહાય પૂરી પાડવાની કામગીરીનુ કો ઓર્ડિનેશન કરશે અને તેના પર નજર પણ રાખશે.
તાલિબાને ભારતના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, અફઘાનિસ્તાન સરકાર અહીંના લોકોને માનવીય સહાય પુરી પાડવા માટે કાબૂલમાં એમ્બેસીને કાર્યરત કરવાના ભારતના નિર્ણયનુ સ્વાગત કરે છે.
પ્રવક્તાએ કહ્યુ હતુ કે, ભારતે ફરી એમ્બેસી શરૂ કરી છે તે દર્શાવે છે કે, દેશમાં સુરક્ષાનો માહોલ છે અને અહીંયા તમામના અધિકારોનુ સન્માન કરવામાં આવી રહ્યુ છે.
તાલિબાને બીજા દેશોને પણ પોતાની એમ્બેસી ફરી શરૂ કરવા માટે અપીલ કરી છે.
અફઘાનિસ્તાનમાં બુધવારે આવેલા 6.1ની તિવ્રતાના ભૂકંપમાં 1000 કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યા બાદ ભારતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી મોકલવાનુ શરૂ કર્યુ છે.