
ભાવનગરની ગાંધી મહિલા કોલેજના આચાર્યએ કોલેજની તમામ વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનવા માટે એક લેખિત સૂચના આપી હતી. વિવિધ રાજકીય પક્ષ દ્વારા કોલેજના પ્રિન્સિપાલની આ સૂચનાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને પ્રિન્સિપાલ વિરૂદ્ધ આકરી કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ તે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર વિવાદ બાદ આ પ્રકારની નોટિસ બહાર પાડનારા કાર્યકારી આચાર્યા રંજનબાળા એ. ગોહિલે પોતાને કોઈની સૂચના નહોતી મળી પરંતુ પોતાની ગેરસમજણ અને શરતચુકના કારણે નોટિસ બહાર પાડી હતી તેમ જણાવ્યું છે. આ સાથે જ તેમણે તે નોટિસ રદ ગણવા જણાવ્યું છે.
ગુજરાતીમાં લખાયેલી આ નોટિસમાં એવો ઉલ્લેખ હતો કે, ભાજપમાં પેજ કમિટીના સભ્ય તરીકેની નોંધણી માટે દરેક વિદ્યાર્થીનીઓએ 25મી તારીખથી પોતાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈને આવવો. સાથે જ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે મોબાઈલ ફોન લાવવા પણ કહેવામાં આવ્યું હતું.
કોંગ્રેસ દ્વારા આ અંગે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને સોમવારે પણ મોટા પાયે પ્રદર્શન કરવાની યોજના હતી પરંતુ આ બધા વિરોધ વચ્ચે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
કોલેજના ટ્રસ્ટી ધીરેન્દ્ર વૈષ્ણવે જણાવ્યું કે, પ્રિન્સિપાલના આ પગલાં બાદ ટ્રસ્ટે એક મીટિંગ બોલાવીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.