
પંજાબમાં સોમવારે આમ આદમી પાર્ટીની સરકારનું પ્રથમ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સરકારે અન્ય જાહેરાતો સાથે બજેટના માધ્યમથી પોતાના ચૂંટણી ઢંઢેરા નિભાવવાનું વચન પાળ્યું છે. નાણામંત્રી હરપાલ ચીમાએ બજેટ રજૂ કરતી વખતે મફત વીજળીના વચનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે 1 જૂલાઈથી તમામ ઘરોમાં 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રી હરપાલ ચીમાએ આજે 1.55 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાણા મંત્રીએ મફત વીજળીની જાહેરાત કરતા જણાવ્યુ હતું કે સરકાર પોતાની પ્રથમ ગેરંટી પૂરી કરવા જઈ રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માને એપ્રિલ મહિનામાં કહ્યું હતું કે, પંજાબ સરકાર 1 જૂલાઈથી રાજ્યના દરેક ઘરેલું વીજળી ઉપભોક્તાને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપશે. દિલ્હી બાદ પંજાબ બીજું રાજ્ય છે જ્યા આમ આદમી પાર્ટી મફત વીજળી આપી રહી છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન મફત વીજળી એ પાર્ટીના મુખ્ય વચનોમાંથી એક હતું. પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે જૂનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ વચન આપ્યું હતું.
‘આપ’ના ધારાસભ્ય અમન અરોરાએ જણાવ્યું હતું કે મફત વીજળી માટે પણ કેટલીક શરતો રહેશે. જો કોઈ ઉપભોક્તા બે મહિનામાં 600 યુનિટથી વધારે વીજળીનો ખર્ચ કરશે, તો તેણે વીજળીની સંપૂર્ણ રકમ ચુકવવી પડશે. પંજાબમાં દર બે મહિને વીજળીનું બિલ આવે છે. ત્યારબાદ મુખ્યમંત્રી માને કહ્યું કે અનુસુચિત જાતિ, સ્વતંત્રતા સેનાની અને ગરીબી રેખા નીચે જીવતા લોકોને છૂટ મળશે. તેઓ 2 મહિનામાં 600 યુનિટથી વધારે વીજળીનો ખર્ચ કરશે તો તેમને માત્ર તેના જ પૈસા આપવા પડશે. એટલે કે, જો તેઓ 640 યુનિટ વાપરશે તો તેમને માત્ર 40 યુનિટના જ પૈસા ચૂકવવા પડશે.
મુખ્યમંત્રી ભગવંત માને એમ પણ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઉપભોક્તાઓ માટે વીજળીના દરમાં વધારો કરવામાં આવશે નહી. કૃષિ માટે પણ મફત વીજળી ચાલુ રહેશે. મફત વીજળીની આ યોજનાના કારણે સરકાર ઉપર 5000 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડવાની શક્યતા છે. તેમ છતા સરકારે કહ્યું હતું કે તે સામાન્ય લોકો ઉપર અન્ય ટેક્સ મારફતે વધારાનો બોજ નહીં નાખે. બજેટમાં સરકારે નવો કર ન લાદીને પોતાનું વચન પૂરુ કર્યું છે.