
FASTag Scam Viral Video: હાલમાં સોશિયલ મીડિયામાં ફાસ્ટેગ સ્કેમ (FASTag Scam) નામથી એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, કારનો કાચ સાફ કરતાં નાના બાળકો સ્માર્ટવોચથી ફાસ્ટેગને સ્કેન કરીને પૈસા ચોરી રહ્યા છે. વિડીયોમાં કાર ડ્રાઈવરે દાવો કર્યો છે કે, ઠગો દ્વારા ટ્રાફિગ સિગ્નલ્સ પર ભીખ માગતા નાના બાળકોને સ્કેનર્સ સાથેની સ્માર્ટવોચ આપવામાં આવી છે. આ બાળકો જ્યારે કારનો કાચ સાફ કરે છે, ત્યારે ફાસ્ટેગને સ્કેન કરીને પૈસા ચોરી લે છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ગેજેટ્સ નાઉ દ્વારા એથિકલ હેકર સની નહેરાને આ વાયરલ વિડીયો અંગે વાતચીત કરવામાં આવી હતી, જેમાં નહેરાએ આ વિડીયોને ફેક ગણાવ્યો છે. નહેરાએ જણાવ્યું કે, એવો કોઈપણ રસ્તો નથી કે, જેમાંથી કોઈ તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસાની ચોરી કરી શકે. નહેરાએ આ અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઊંડાણમાં માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, ફાસ્ટેગ કેવી રીતે કામ કરે છે અને તેનું સિક્યોરિટી મિકેનિઝમ શું છે.