
રાજ્યમાં CNG ગેસનાં ભાવમાં વધારો થયા બાદ વિવિધ રિક્ષા ચાલક યુનિયનોની ભાડું વધારવાની માંગને વાટા-ઘાટો બાદ સરકારે સ્વીકારી લીધી છે. જે મુજબ હવે 1.2 કિલોમીટર માટે મિનિમમ ભાડુ 20 રૂપિયા કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિ કિલોમીટરનું ભાડું પણ વધારીને 15 રૂપિયા કરવામાં આવ્યું છે. રિક્ષા ભાડામાં કરાયેલા આ ભાવ વધારો 10મી જૂનથી લાગુ થશે. આ નિર્ણય બાદ હવે મોંઘવારીનો માર સહન કરતા લોકોને રિક્ષામાં મુસાફરી પણ વધુ મોંઘી થઈ જશે.
કેટલું ભાડું વધ્યું?
રિક્ષા ચાલકોના વિવિધ એસોસિએશનની માંગણીને ધ્યાનમાં રાખતા સરકારે મિનિમમ ભાડુ તથા કિલોમીટર દીઠ ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી છે. એટલે કે જો કોઈ મુસાફર રિક્ષામાં મુસાફરી કરે છે તો તેને કિલોમીટર દીઠ 2 રૂપિયા વધુ ચૂકવવા પડશે. હકીકતમાં રિક્ષા ચાલકોએ મિનિમન ભાડુ રૂ.30 તથા કિલોમીટર દીઠ રૂ.15નું ભાડું વધારવાની માંગ કરી હતી.

માર્ચ 2023 સુધી રિક્ષા ભાડામાં હવે વધારો નહીં
સરકારના આ નિર્ણય સાથે રિક્ષા એસોસિએશનોએ પણ સંમતિ દર્શાવી છે. હવે આગામી 31મી માર્ચ 2023 સુધી CNG ગેસના ભાવમાં વધારો થાય કે ગેસ પર સરકારનો ટેક્સ વધે તો પણ રિક્ષા ભાડું નહીં વધારવાની પ્રમુખોએ ખાતરી આપી છે.
CNG ગેસના ભાવ વધતા ભાડામાં વધારો કરવાની માંગ હતી
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી રિક્ષા ચાલકો દ્વારા CNG ગેસના ભાવમાં વધારા સામે ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પરિણામે હડતાલ અને આંદોલન પણ કર્યા હતા. ત્યારે આખરે સરકાર દ્વારા તેમની માંગણી પર વાટા-ઘાટ કરીને 2-2 રૂપિયાનો ભાવ વધારો કરવાની મંજૂરી આપવામાં આવી હતી.