
નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2022, સોમવાર
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે. સિસોદિયાએ એક CBI અધિકારીએ આત્મહત્યા કરી હતી તે ઘટનાનો ઉલ્લેખ કરીને ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે.
નવી એક્સાઈઝ પોલિસી દ્વારા કૌભાંડ કર્યું હોવાના આરોપસર સીબીઆઈ તપાસનો સામનો કરી રહેલા સિસોદિયાએ કેન્દ્ર સરકાર અધિકારીઓ પર પોતાના વિરોધીઓને ખોટા કેસમાં ફસાવવાનું દબાણ લાવતી હોવાનો આરોપ લગાવ્યો હતો.
સિસોદિયાએ જણાવ્યું કે, ‘2 દિવસ પહેલા સીબીઆઈના એક અધિકારીએ આત્મહત્યા કરી લીધી હતી. તેમનું નામ જિતેન્દ્ર કુમાર હતું. તેઓ સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખામાં કાયદાકીય સલાહકાર હતા. તેમના પર મને ખોટા કેસમાં ફસાવવાનું દબાણ હતું. તેઓ માનસિક દબાણ સહન ન કરી શક્યા માટે તેમણે આત્મહત્યા કરી લીધી.’
ધરપકડ માટે ક્યાં આવું?
મનીષ સિસોદિયાના કહેવા પ્રમાણે જિતેન્દ્ર કુમાર મંજૂરી નહોતા આપી રહ્યા માટે એટલું દબાણ થઈ રહ્યું હતું કે, તેમણે આત્મહત્યા કરી લીધી. ખોટી વાતને કાયદાકીય રીતે મજબૂત બનાવવા દબાણ થઈ રહ્યું હતું જે ખોટું છે.
વધુમાં કહ્યું હતું કે, ‘હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવા ઈચ્છુ છું કે, જો તમે મને કોઈ ખોટા કેસમાં ફસાવવા ઈચ્છો છો તો ફસાવો. તમે મારા ત્યાં દરોડો પડાવવા ઈચ્છતા હતા, તમે એમ કર્યું. તમે મારા સામે ખોટો કેસ દાખલ કર્યો. તમે મારી ધરપકડ થાય તેમ ઈચ્છો છો તો કહો મારે ક્યાં આવવાનું છે? હું આવી જઈશ. મહેરબાની કરીને અધિકારીઓ પર દબાણ ન કરો અને તેમને આત્મહત્યા કરવા માટે મજબૂર ન કરો.’