
ઝારખંડમાં સગીર વિદ્યાર્થીની અંકિતા અને એક આદિવાસી છોકરીની હત્યાના વિરોધમાં આજે દુમકા જિલ્લા સહિત સમગ્ર સંથાલ ક્ષેત્રમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિભિન્ન આદિવાસી સંગઠનેની સાથે-સાથે હિન્દુ સંગઠનોએ સવારથી જ રસ્તા પર ઉતરી બધુ બંધ કરાવ્યું હતું. આ સાથે તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેનનું પૂતળું પણ બાળ્યું હતું. આ સંગઠનોએ મુખ્યમંત્રી સોરેન અને રાજ્ય સરકાર પર એક વિશેષ સમુદાયને સરંક્ષણ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. બીજી તરફ તંત્રએ ક્ષેત્રમાં ધારા 144 લાગુ કરી દીધી છે.
બીજી તરફ આ મામલે ભાજપના ધારાસભ્ય દળના નેતા બાબૂલાલ મરાંડીએ NIA પર તપાસ કરાવાની માંગ કરી છે. છેલ્લા દિવસોમાં જ્યારે બીજેપી સાંસદ નિશિકાંત દુબે, મનોજ તિવારી અને કપિલ મિશ્રા સગીર વિદ્યાર્થીની અંકિતાના પરિવારજનોને મળવા ગયા હતા ત્યારે પણ તેમણે એક વિશેષ સમુદાય સાથે સબંધ રાખનાર આરોપી નઈમનો PFI અને બાંગ્લાદેશી આતંકવાદી સંગઠનો સાથે સબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુમકા જિલ્લા સહિત સંથાલ વિસ્તારમાં લવ જેહાદના નામે ધર્મ પરિવર્તનનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે. તે સમયે પણ સાંસદો સહિત ભાજપના તમામ નેતાઓએ NIA દ્વારા તપાસની માંગ કરી હતી.
સગીર વિદ્યાર્થીની અંકિતાને જીવતી સળગાવી દેવાનો મામલો હજુ ઠંડો પણ નહોતો થયો ત્યારે એક સગીર આદિવાસી છોકરીનું રેપ બાદ હત્યા કરીને મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દુમકામાં લોકોનો સરકાર અને પોલીસ વિરુદ્ધ આક્રોશ વધી ગયો છે. આ ઘટનાને લઈને આદિવાસી અને હિન્દુ સંગઠનો વચ્ચે ખૂબ જ નારાજગી છે. તેમણે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા રસ્તા પર ઉતરી મુખ્યમંત્રી હેમંત સોરેનનું પુતળું સળગાવ્યું હતું અને પોલીસ તંત્રના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.