
7 હજાર કરોડનું બજેટ ધરાવતી પાલિકામાં હાલ કેટલાય અધિકારીઓ વાસ્તુના ચક્કરમાં પોતાની ચેમ્બર રિનોવેશન કરાવવા પાછળ કરોડોનો ધુમાડો કરી રહ્યાં છે. નેતાઓનો રોગ અધિકારીઓનો લાગતાં આ મદ્દો હાલ પાલિકામાં ચર્ચાની એરણે છે. ડેપ્યુટી ઈજનેર, એડિશનલ સિટી ઈજનેર, ડેપ્યુટી કમિશનર, સિટી ઈજનેર સહિતના મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ વાસ્તુ આધારિત રિનોવેશન કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રિનોવેશન પાછળ જ અધિકારીઓએ પાંચ કરોડથી વધુ ધુમાડો કરી દીધો છે અને આ સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.લોકોના ટેક્સના પૈસાનો દુરૂપયોગ
શાસકોએ પણ પોતપોતાની ચેમ્બરોને કોર્પોરેટ ઓફિસ સમાન કરવા માટે કોઈ કસર બાકી રાખી નથી. ગંભીર બાબત એ છે કે, અનેક અધિકારીઓને પોતાની ચેમ્બરમાં સુધારા-વધારા લાઇટિંગ, ફર્નિચર, ઇન્ટિરિયર ડેકોરેશન કરાવીને લોકોના ટેક્સના પૈસાનો દુરૂપયોગ કરાઈ રહ્યો છે. કેટલાંક વાસ્તુમાં માનનારા નવા અધિકારીઓ ચેમ્બરોને કોર્પોરેટ ઓફિસને પણ ટપી જાય તેવી આલિશાન બનાવી દીધી છે.
ખર્ચાઓનો આંકડો અંદાજે રૂપિયા 5 કરોડ
આવી ઓફિસ તો અત્યાર સુધીના પાલિકા કમિશનર આવી ને ગયા છતાં તેમની બની શકી નથી. છેલ્લા કેટલાંક વર્ષોમાં જોઈએ તો પાલિકાના હાઉસિંગ ખાતા, એકાઉન્ટ ખાતામાં આ ખર્ચાઓનો આંકડો અંદાજે રૂપિયા 5 કરોડને આંબી જાય તેવી ગણતરી છે. આ તો માત્ર વડી કચેરી મુઘલસરાઇની જ વાત છે, પરંતુ તમામ ઝોનમાં જો તપાસ કરવામાં આવે તો ત્યાંના કાર્યપાલક ઇજનેરો, આસી. કમિશનરોથી લઈ અન્ય અધિકારીઓની ઓફિસો પાછળ પણ તગડા ખર્ચા કરાયા છે.
આ અધિકારીઓએ પોતાની ચેમ્બરને વાસ્તુશાસ્ત્રની આડમાં ચકાચક કરાવી દીધી
સિટી ઇજનેર આશિષ દૂબેની ચેમ્બરમાં ઇન્ટિરિયર સહિત ફેરફાર થયાં
એડી. સિટી ઇજનેર ડી.એમ. પટેલ રિટાયર્ડ થતાં તેમના સ્થાને આવેલા જીએએસ ધવલ પંડ્યાની ચેમ્બર પણ રિનોવેટ કરવામાં આવી.
ડે.કમિશનર સ્વાતિ દેસાઇએ નિવૃત્ત સી.વાય.ભટ્ટે પૂર્વ તરફ ચેમ્બર-બેઠક વ્યવસ્થા બનાવી હતી તે દૂર કરાવીને ઉત્તર દિશા તરફ કરાવી છે. સેક્રેટરી બનતાની સાથે જ સેક્રેટરી વિભાગ સમૂળગો કોર્પોરેટ ઓફિસને ટપી જાય તેવો સાકારિત કરી દેવાયો હતો.
ડે. કમિશનર કમલેશ નાયકે પૂર્વ ડીઓપી જીવણ પટેલની ચેમ્બર ઉત્તર તરફની હતી તેને રિનોવેટ કરાવીને પૂર્વ તરફની બેઠક કરાવી છે.
એડી. સિટી ઇજનેર જતીન દેસાઇની ચેમ્બર રિનોવેશન કરાવાઇ.
એડી. સિટી ઇજનેર ડી.સી. ભગવાકરની ઓફિસમાં દરવાજા સહિતના ઇન્ટિરિયર ફેરફાર કરવામાં આવ્યા છે.
ડે.કમિ. કિનખાબવાલાએ ડોર સહિત ઇન્ટિરિયરનો ફેરફાર કરાવ્યો.
ડે. કમિ. ધર્મેશ મિસ્ત્રીની ચેમ્બર બીજા માળે રિનોવેશન ઇન્ટિરિયર તેમજ અન્ય વિભાગો, ઝોનના ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરોમાં રિનોવેશનો થયાં છે.
પદાધિકારીઓ પણ ખર્ચા કરવામાં પાછળ નથી
પોતાની ચેમ્બરો ને રિનોવેશન, ઇન્ટિરીયર ડેકોરેશન, લેડ લાઇટિંગો, ફર્નિચર સહિતના બાથરૂમ-ટોયલેટમાં પણ નિતનવા ફેરફારો પાછળ ખર્ચાનો દૌર ચાલતો જ જાઇ છે. અગાઉ ડે.મેયર નિરવ શાહની ચેમ્બરનું રિનોવેશ ચર્ચામાં આવ્યું હતું. તાજેતરમાં શાસક પક્ષ નેતા અમીતસિંહ રાજપૂત પોતાની ઓફિસ કોર્પોરેટ ઓફિસ જેવી બનાવી તેમાં 40 હજારની તો ખુરશી લેવાની તૈયારી હતી. સ્થાયી ચેરમેન પરેશ પટેલે બાથરૂમ-ટોયલેટ દૂર કરીને એન્ટિ ચેમ્બર મોટી કરી નવો ચિલો ચાતર્યો હતો.
નવા વહિવટીની તૈયારી છતાં બેધડક ખર્ચા
પાલિકાનું નવું વહિવટી ભવન ૩૬ મહિનામાં તૈયાર કરવાનું આયોજન ટેન્ડર શરત મુજબ કરાયું છે. સમુળગી વડી કચેરી આગામી વર્ષોમાં નવા વહિવટી ભવનમાં શિફ્ટ થઈ જશે. આ વહિવટી ભવન પાછળ 1080 કરોડનો ખર્ચો કરાશે. તેમ છતાં હજી પણ ચેમ્બરો પાછળ કાબૂ બહાર ખર્ચા થઈ રહ્યાં છે. જેને જોનાર કે રોકનાર કોઈ જ નથી.