
ઉતરાયણમાં ચિક્કી અને લાડુની ડિમાન્ડ વધે છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં અલગ અલગ પ્રકારની ચિક્કીના ભાવમાં 6થી લઈને 28 ટકા સુધી ભાવમાં વધારો થયો છે. બધાથી વધુ માંગ સિંગ ચિક્કીની છે જે અલગ અલગ ભાવે વેચાઈ રહી છે. નવી ચિક્કીના ફ્લેવર્સ જેવા કે ચોકલેટ, અંજીર જે હવે એક્સપોર્ટ પણ થઈ રહી છે. ચિક્કી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે. ગોળ શરીરને ગરમ રાખે છે અને સિંગ-તલમાં રહેલા વિટામિન, આયર્ન અને મિનરલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખી હૃદયને સ્વસ્થ રાખે છે. શિયાળામાં ચિક્કીની માંગ હોય છે. ખાસ કરીને ઉત્તરાયણના દિવસે લોકો હોંશભેર ચિક્કી આરોગે છે.
આ વર્ષે શિયાળો શરૂ થતાં જ ગોળમાંથી બનાવેલી વિવિધ પ્રકારની ચિક્કીઓની માંગ વધી છે ત્યારે દરેક પ્રકારની ચિક્કી અને લાડુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ઉતરાયણના તહેવારમાં ચિક્કીનો વેપાર સૌથી વધારે હોય છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તલની ચિક્કીમાં કિલો દીઠ 40 રૂપિયાનો વધારો થયો છે. વિક્રેતાઓ કહે છે કે, ગોળ સહિતના રોમટિરિયલ્સ મોંઘા થતાં ભાવમાં વધારો થયો છે.
પેકેજિંગ મટિરિયલના ભાવવધારાની પણ અસર
ચિક્કીનો વેપાર કરતાં ભરત લાડે કહ્યુ હતું કે, ‘ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તમામ પ્રકારની ચિક્કીના ભાવમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને તલ, સિંગ, ગોળ સહિતના ભાવમાં વધારો થયો છે સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન અને પેકેજિંગના ભાવમાં વધારો થવાને કારણે તમામ પ્રકારની ચિક્કીના ભાવમાં વધારો થયો છે.’