
2015માં આમ આદમી સરકારે રાજકારણીઓ અને અધિકારીઓની જાસૂસી કરી
કેજરીવાલ સરકાર પર ભાજપના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાસૂસી કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી આપી દીધી છે. CBIની તપાસમાં કેજરીવાલ સરકાર પર ભાજપના નેતાઓની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો છે. 2015માં આમ આદમી સરકારે રાજકારણીઓ અને અધિકારીઓની જાસૂસી કરી હતી. આ માટે ફીડબેક યુનિટ બનાવવામાં આવ્યું હતું. CBIને આ તપાસમાં તેમના વિરુધ લાગેલા આરોપો સાચા જણાયા છે. તેથી ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ CBI મનીષ સિસોદિયા વિરુદ્ધ કેસ દાખલ કરશે.
શું છે આ કેસ?
માહિતી અનુસાર, 2015માં સત્તામાં આવ્યા બાદ દિલ્હી સરકારે એક ફીડબેક યુનિટની રચના કરી હતી જેનું કામ દરેક વિભાગ પર નજર રાખવાનું હતું. સરકારે કહ્યું કે, તેમનો હેતુ વિભાગોના ભ્રષ્ટાચાર પર નજર રાખવાનો છે. ત્યારબાદ આ મામલે સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેના દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી પાર્ટીઓના કામકાજ પર નજર રાખી રહી છે.
CBIએ દિલ્હી સરકારના તકેદારી વિભાગના અધિકારીની ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2016 માં, એજન્સીએ જણાવ્યું હતું કે, સોંપાયેલ કાર્યો ઉપરાંત, FBUએ અગ્રણી રાજકીય વ્યક્તિઓની જાસૂસી કરી હતી. CBIના જણાવ્યા અનુસાર, FBUએ આઠ મહિના દરમિયાન 700થી વધુ કેસોની તપાસ કરી હતી. જેમાંથી 60 ટકા કેસમાં રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી હતી.