
ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલ હોવાના કારણે સેવા બંધ કરાઈ
અગાઉ ભાજપના ધારાસભ્ય દર્શના બેને પણ સી પ્લેન અંગે સવાલ કર્યો હતો. ત્યારે સરકારે ફરી સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી
ગાંધીનગર, 16 માર્ચ 2023 ગુરૂવાર
વિધાનસભામાં એક સપ્તાહ પહેલાં જ ભાજપના અસારવાના ધારસભ્ય દર્શનાબેને સી પ્લેન સેવા અંગે સવાલ કર્યો હતો. ત્યારે સરકારે જવાબમાં જણાવ્યું હતું કે,સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવાશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે. પરંતુ આજે ગૃહમાં સરકારે સી પ્લેન સેવા અંગે અલગ જ જવાબ આપ્યો છે. સરકારે કહ્યું છે કે આ સેવામાં પ્લેનનો ઓપરેટિંગ ખર્ચ ઊંચો હોવાથી સેવા બંધ કરવામાં આવી છે. સી પ્લેન પાછળ અત્યાર સુધીમાં સરકારે 13.15 કરોડ કરતાં વધુ ખર્ચ કર્યો હોવાનો સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો હતો.
2021થી સી પ્લેન સેવા બંધ હોવાનું સરકારે કબૂલ્યું
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે,અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા 13 કરોડ 15 લાખ 6 હજાર 737 રૂપિયાના ખર્ચે શરૂ કરાઈ હતી. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેઇન્ટેનન્સ મુશ્કેલ હોવાના કારણે સેવા બંધ હોવાની સરકારે ગૃહમાં કબૂલાત કરી છે. ઓપરેટરને ઓપરેટીંગ માટે ઉંચી કોસ્ટને કારણે નાણાંકીય કારણોસર 2021થી સી પ્લેન સેવા બંધ હોવાનું સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું.
અગાઉ સી પ્લેન સેવા શરૂ કરવા સરકારે ખાતરી આપી હતી
અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટૂંક સમયમાં નવા રંગ રૂપ સાથે કેવડિયાથી અમદાવાદ સી પ્લેન સેવા શરૂ થશે તેવી ખાતરી આપી હતી. આ વખતે અન્ય રાજ્યોના અન્ય જળાશયોમાંથી કેવડિયા સી પ્લેન આવે તેવું આયોજન સરકાર કરી રહી છે એવું પણ કહ્યું હતું. અગાઉ સરકારે જ ગૃહમાં કહ્યું હતું કે, સરકારે જવાબમાં જણાવ્યું હતું કે, સી પ્લેન શરૂ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી પૂર્ણ થતાં જ ફરીથી આ સેવા શરૂ કરી દેવાશે. અગાઉના રૂટ પ્રમાણે જ સી પ્લેન સેવા શરૂ થશે.
31 ઓક્ટોબર 2020ના રોજ સી પ્લેન સેવા શરૂ કરાઈ હતી
31 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન મોદીએ કેવડિયાથી અમદાવાદ પહોંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સી પ્લેન સેવા શરૂ કરી હતી. જે શરૂઆતમાં 10 દિવસ ચાલ્યું અને એક મહિનાના ટૂંકા ગાળામાં મેન્ટેન્સ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એરોડ્રામ ધૂળ ખાઈ રહ્યું છે.સુરક્ષાકર્મીઓ બેસી રહ્યા છે.સી પ્લેન મેન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું ને હજી પરત ફર્યું નથી અને ક્યારે પરત આવશે તે પણ એક સવાલ છે.