
PMO અધિકારી તરીકેની ઓળખ આપીને કાશ્મીરમાં Z+ સુરક્ષા કવચ સાથે બુલેટપ્રૂફ કારમાં ફરનારા કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તે પોતાના સંબંધીને ત્યાં જંબુસર હતી ત્યારે ઝડપાઈ હતી. સિંધુભવન રોડ પરના જગદીશપુરમ્ બંગલો પચાવી પાડવાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી
કાશ્મીરમાં PMOના અધિકારીની ખોટી ઓળખ આપી હાઈ સિક્યોરિટી લઈને ફરતા કિરણ પટેલનાં અનેક કારનામાં બહાર આવ્યાં હતાં. ઠગ કિરણ પટેલ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પૂર્વ મંત્રીના ભાઈ નવા PMOના અધિકારીની ઓળખ આપી બંગલો રિનોવેશન કરાવવાનું કહીને બંગલો પચાવવા કોર્ટમાં ખોટો દાવો કરીને નોટિસ મોકલી હતી. એ મામલે પૂર્વમંત્રીના ભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતાં જ માલિની ફરાર થઇ ગઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરી છે.
ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી,. જેમાં કિરણ પટેલ અને માલિની પટેલે બંગલા માટે દાવો કર્યો હતો, જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરિયાદ નોંધાતાં માલિની તેના ઘરેથી ફરાર થઇ હતી, જેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળતાં માલિની પટેલની જંબુસરથી તેના સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. માલિની પટેલને અત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવી છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલને પણ અમદાવાદ લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
શિલજમાં રહેતા જગદીશ ચાવડા જમીન લે-વેચનું કામ કરે છે. શિલજમાં નીલકંઠ બંગલોઝમાં જગદીશભાઈનો બંગલો આવેલો છે, જે વેચવા માટે તેમણે પરિચિત લોકો સાથે ફેબ્રુઆરી 2022માં વાતચીત કરી હતી. એ વાત ઠગ કિરણ પટેલ સુધી પહોંચતાં તેણે ે બંગલો પચાવી પાડવા પ્લાન બનાવ્યો હતો. કિરણ પટેલે જગદીશ ચાવડાનાં પત્ની ઇલાબેનને ફોન કરીને બંગલો વેચવાનો હોય તો પોતે લે-વેચનું કામ કરે છે એવું જણાવ્યું હતું.
ઇલાબેન સાથેની વાતચીત બાદ કિરણ પટેલ જગદીશભાઈના બંગલે ગયો હતો. બંગલો વેચવાનો હોવાથી કિરણને બંગલો પણ બતાવ્યો હતો. ત્યારે પોતાના પ્લાન મુજબ કિરણે જગદીશભાઈએ કહ્યું હતું કે રિનોવેશન થાય તો બંગલો સરળતાથી વેચી શકાય અને સારી કિંમત પણ મળશે એવી સલાહ આપીને કિરણ ત્યાંથી નીકળી ગયો હતો. એ બાદ જગદીશભાઈને સિંધુભવન રોડ પર આવેલી ટી પોસ્ટમાં મળવા બોલાવ્યા હતા. તેણે ટી પોસ્ટમાં ભાગીદાર હોવાનું જણાવ્યું તથા પોતે રાજકીય વગ ધરાવે છે અને પ્રધાનમંત્રીની ઓફિસમાં કલાસ-1 અધિકારી છે એવું જણાવ્યું હતું. પોતાને રિનોવેશનનો શોખ હોવાનું પણ જણાવ્યું હતું.
જગદીશભાઈએ કિરણ પટેલ સાથે ડીલ કરી અને બંગલો 30-35 લાખમાં ઇનોવેશન કરવાનું નક્કી કર્યું હતું. 2 દિવસ બાદ કિરણ તેની પત્ની માલિની અને ઇન્ટીરિયર ડિઝાઈનર જુબિન પટેલ સાથે બંગલે આવ્યો અને એ બતાવ્યો હતો. બીજા જ દિવસથી કિરણ 8-10 કારીગર લાવીને રિનોવેશનનું કામ શરૂ કરાવી દીધું. જગદીશભાઈ બંગલો રિનોવેશન થતો હોવાથી શેલામાં રહેતા મિત્રના બંગલે શિફ્ટ થઈ ગયા હતા.
જગદીશ ચાવડાને કામ હોવાથી તેઓ જૂનાગઢ ગયા હતા. આ દરમિયાન કિરણે બંગલા બહાર પોતાના નામની પ્લેટ લગાવી અને વાસ્તુ-પૂજન કરાવ્યું હતું. જગદીશભાઈને જાણ થતાં તેઓ બીજા જ દિવસે બંગલે પહોંચ્યા અને કિરણ સાથે વાતચીત કરી તો કિરણે જણાવ્યું કે બંગલો મારે જ ખરીદવો છે. અદાણીમાં એક મોટું કામ કર્યું છે, જેનું પેમેન્ટ આવતાં જ તમને બંગલાનું પેમેન્ટ કરી દઈશ.
કિરણ પર શંકા જતાં જગદીશભાઈએ હાલ બંગલાનું કામ કરવા જણાવ્યું તો કિરણ અધૂરું કામ મૂકીને જતો રહ્યો હતો, જેથી જગદીશભાઈ બંગલે રહેવા આવી ગયા હતા. ઓગસ્ટ-2022માં જગદીશભાઈને મિર્ઝાપુર કોર્ટની નોટિસ મળી હતી, જેમાં કિરણ પટેલે બંગલા માટે દાવો કર્યો હતો, જેથી જગદીશભાઈએ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.