
કોરોના બાદથી ગુજરાતમાં એવા અનેક વીડિયો વાઇરલ થયા જેમાં કોઇનું ડાન્સ કરતી વેળાએ તો કોઇનું રમતાં રમતાં અવસાન થયું હોય. આ તમામ કિસ્સાઓ પાછળ હાર્ટ એટેક એક માત્ર કારણ હોવાનું સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા 28 વર્ષીય યુવકનું છાતીમાં દુખાવા બાદ કોલેજમાં મોત નીપજ્યું હતું. જ્યારે અમદાવાદમાં PSIને ફરજ પર હાર્ટ એટેક આવ્યો હતો. વડોદરામાં હાર્ટ એટેક આવતા એડવોકેટનું મોત થયું હતું. છેલ્લાં બે વર્ષમાં સમગ્ર ગુજરાતમાં 60 હજારથી વધુ હાર્ટ એટેકના કેસ નોંધાયા છે. જેમાં ખાસ કરીને રાજ્યનાં ચાર મહાનગરોમાં યુવાનોમાં હાર્ટ સંબંધિત તકલીફો વધતા ઇમર્જન્સી મેડિકલ સેવા માટે કાર્યરત 108ને મળતા કોલ્સના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં વર્ષ 2021-22માં દૈનિક સરેરાશ 35 જેટલા કોલ આવતા હતા. ત્યારે આજે ચાલુ વર્ષે તેમાં વધારો થતા દૈનિક સરેરાશ 52 જેટલા કોલ મળી રહ્યા છે.
આ ઉપરાંત ત્રણ મહાનગરો સુરત, રાજકોટ અને વડોદરામાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સુરતમાં વર્ષ 2021-22માં દૈનિક સરેરાશ 8 કોલ આવતા હતા તે આજે દૈનિક સરેરાશ 13 કોલ મળી રહ્યા છે. તેવી જ રીતે રાજકોટમાં 7 કોલ્સ મળતા હતા જે આજે 11 કોલ મળી રહ્યા છે. આ ઉપરાંત વડોદરામાં પણ દૈનિક 6 કોલ આવતા હતા જે આજે સરેરાશ 9 કોલ મળી રહ્યા છે. દેશભરમાંથી હાર્ટ એટેકથી મોતના આવી રહેલા સમાચાર પર ધ્યાન કેન્દ્રીત કરીને કેન્દ્ર સરકારે ICMRને તબક્કાવાર આ મામલે રિસર્ચ કરવા કહ્યું હતું. ગુજરાત પોલીસે ગંભીરતાને ધ્યાને લેતા પોલીસને CPR ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે.
ગુજરાતના યુવાનો હાર્ટ એટેકના ભોગ બન્યા
27 જૂન 2023: ચાલુ ફરજ પર PSIનું હાર્ટ એટેકથી મોત
વિરમગામ શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 45 વર્ષીય PSI કે.એન. કલાલ ફરજ હતા તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
26 ફેબ્રુઆરી 2023: ક્રિકેટ રમતાં રમતાં યુવકને હાર્ટ એટેક આવ્યો
અમદાવાદના ભાડજમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ યુવાન ઢળી પડ્યો હતો. જીએસટી વિભાગ સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા 34 વર્ષીય વસંત રાઠોડને ક્રિકેટ રમતાં રમતાં હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
25 એપ્રિલ 2023: એડવોકેટનું હાર્ટ એટેકથી મોત
વડોદરાના એડવોકેટને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા હતા. 27 વર્ષીય નિહાલ ત્રિવેદીનું હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું.
11 માર્ચ 2023: ચાલુ કારે આધેડનું હાર્ટ એટેક આવતા મોત
ચાલુ કારમાં જ 52 વર્ષીય દીપક શાહને હાર્ટ એટેક આવતા બેભાન થઇને સીટ પર ઢળી પડ્યા હતા. જેના કારણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે રોડ પર પાર્ક અન્ય ચાર વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
28 જૂન 2023: એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા યુવકનું મોત
મૂળ બારડોલીના અને ચાર વર્ષથી રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને અચાનક છાતીમાં દુખાવો ઊપડતા 108 મારફત હોસ્પિટલ લઇ જવાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેણે દમ તોડી દીધો હતો.
13 જૂન 2023: પિતાના મૃત્યુના 20 દિવસ બાદ પુત્રનું હાર્ટ એટેકથી મોત
મોરબી રોડ પર આવેલા ઓમ પાર્કમાં રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઇ મનહરભાઇ રાઠોડ (ઉ.વ.35) બપોરે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ બેભાન થઇ ગયા હતા. જે બાદ પરિવારજનો અને સ્થાનિકો દ્વારા તેમને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ઇમર્જન્સી વોર્ડના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
7 મે 2023: પરિણીતા કપડાં ધોતાં ધોતાં ઢળી પડી
પહેલા કિસ્સામાં રાજકોટ મવડી ચોકડી પાસે 32 વર્ષીય મનીષાબેન યજ્ઞેશભાઇ ડાભી નામની એક પરિણીતા કપડાં ધોતાં ધોતાં ઢળી પડી હતી. ઘટનાને પગલે મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. જોકે, પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મહિલાનું મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
5 જૂન 2023: મંદિરમાં ભજન કરતી વખતે મહિલા ઢળી પડી
સુરતમાં જય રણછોડનગર સોસાયટી ખાતે રહેતા હીરા દલાલની પત્ની શ્યામધામ મંદિરમાં ભજન કરતી વખતે ઢળી પડ્યાં હતાં. 64 વર્ષીય સવિતા બોપલિયાનું હૃદયરોગના હુમલાથી નિધન થયું હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું.
શારીરિક ગતિવિધિ ઓછી થવાથી પણ શરીરમાં અશક્તિ આવે
જીવનશેલીમાં કેટલાક ફેરફાર થયા હતા. જે પૈકી એક લાંબા સમય સુધી સિટિંગ જોબ પણ છે. વર્ચુઅલ ગતિવિધિઓ વધવાના કારણે કામ સરળ થયું હતું. પરંતુ આના કારણે શરીર ખરાબ થયાં હતાં. એકાએક હાર્ટ અટેકનો જે લોકો શિકાર થયા તે શારીરિક શ્રમ અથવા તો કસરત કરતા ન હતા.
આ પણ કારણો…
પોષક તત્ત્વોનો અભાવ અને ફેટી ડાઇટવાળા લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધારે છે. શરાબ, સિગારેટ અથવા તો અન્ય કોઇ પ્રકારના નશા પણ કારણો છે. હાર્ટ એટેકનું કારણ નશો પણ છે.
હાર્ટ એટેક વધવા પાછળ કોરોનાની રસી જવાબદાર નથી
કોરોના રસી શંકાના ઘેરામાં હતી. કોરોના રસી 100 કરોડથી વધુ લોકોને લગાવવામાં આવી હતી. રાહતના સમાચાર એ છે કે, આઇસીએમઆરની તપાસ ટીમે એકાએક થનાર હાર્ટ એટેકનું કારણ વેક્સિનને માન્યું નથી. બીજી સૌથી મોટી શંકા કોવિડની આડઅસરને લઇને હતી.