
AMCના વિપક્ષના નેતા સહિત કોર્પોરેટરો અને કાર્યકરોએ વહીવટી તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું
અમદાવાદઃ શહેરમાં વરસાદની સિઝનમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરના મીઠાખળી વિસ્તારમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. ચારેય ઈજાગ્રસ્તોને શહેરની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો પાસેથી વ્યક્તિ દીઠ આઠ હજાર રુપિયા લેખે સારવારના કુલ 24 હજાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ મામલે વિપક્ષે હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિપક્ષના નેતાઓએ હોસ્પિટલમાં જઈને વિરોધ કર્યો
AMCના વિપક્ષના નેતાઓએ એસવીપી હોસ્પિટલમાં ‘ગરીબો કો લૂંટના બંધ કરો, ન્યાય આપો ન્યાય આપો’ જેવા સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ માંગ કરી હતી કે, માનવતાના ધોરણે દરેક ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવી જોઈએ. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, ગરીબો માટેની VS હોસ્પિટલને બંધ કરીને 750 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી 1200 બેડની એસવીપી હોસ્પિટલમાં ગરીબોની સારવાર હવે શક્ય નથી.
ભાજપ દ્વારા ફકત ખોટા વાયદા કરવામાં આવે છે
વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, આજે મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના ઇજાગ્રસ્ત લોકોને સારવારની જગ્યાએ તેમની પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું તેનું ઉદાહરણ છે. આટલી મોટી રકમ તેઓ પાસે ના હોવાથી LG હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે SVP હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓની સારવારના ભાજપ સરકાર દ્વારા ફકત ખોટા વાયદા કરવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે SVP હોસ્પિટલમાં ગરીબ વ્યક્તિઓ માટે કોઈ અવકાશ નથી.