2017થી સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલેશન જારી, જેને કામ સોંપાયું હતું તેણે 5 વર્ષ સુધી કામ પૂરું જ ન કર્યું
વર્ષ 2017થી શહેરમાં જારી સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલેશન હજુ અડધું બાકી છે. જેના કારણે દિવસે ને દિવસે ફાટફાટ થતાં શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. મુખ્ય જંકશનો પર સિગ્નલો બંધ હોવાથી ભારે ટ્રાફિક અવ્યવસ્થા અને જામના દ્રશ્યો સામાન્ય થઇ ગયા છે. શહેરના વરાછા રોડ, કેનાલ રોડ અણુવ્રત દ્વાર, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારોમાં મોટા ભાગના ટ્રાફીક સિગ્નલ બગડી ગયા હોવાથી માત્રને માત્ર ટ્રાફીક બ્રિગેડ દ્વારા ટ્રાફીકનું નિયમન થઈ રહ્યું છે.
ઘણી જગ્યાએ જ્યાં ટ્રાફિક સિગ્નલ બંધ છે ત્યાં ટીઆરબી પણ નથી. શહેરના 276 જંક્શન પર સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલેશન કરાઇ રહ્યું છે. શહેરના મોટા ભાગના ટ્રાફીક સિગ્નલ શોભાના ગાઠીયા છે. દિલ્હી-મુંબઇ જેવા મહાનગરોમાં સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ ઓટોમોડ પર હોવાથી ત્યાં ટ્રાફિક સમસ્યા જોવા મળતી નથી.
અવ્યવસ્થાથી અકસ્માતનો ભય : શહેરને કનેક્ટ કરનારા મુખ્ય જંકશનો પર જ સિગ્નલો શોભાના ગાંઠિયા
કતારગામ : સ્ટેશન સહિતના વિસ્તારને જોડતો પોઇન્ટ હોવા છતાં કતારગામ કિરણ હોસ્પિટલ પાસેનો સિગ્નલ બંધ હોવાથી અવ્યવસ્થા સર્જાય છે.
પનાસ BRTS જંક્શન : પનાસ ગામને ક્રોસ કરતો BRTS જંક્શન હોવાથી દુર્ઘટના સર્જાવવાની શકયતા હોવા છતાં આ પોઇન્ટનું સિગ્નલ બંધ રહે છે.
વરાછા વૈશાલી સિનેમા પાસે : શહેરનો ગીચ અને ટ્રાફિકવાળા વરાછા બ્રિજ પાસે સિગ્નલ બંધ હોવાથી રાહદારીઓ-ચાલકોને હેરાન થવું પડે છે.
મૌન તોડા : સ્વચ્છતા સર્વેક્ષણમાં પોઇન્ટ મેળવવા પાલિકાએ વરાછામાં યુરિનલ બ્લોક તો બનાવ્યો બાદમાં તાળું મારી બંધ કરી દીધો, વરાછા લેપ્રસી હોસ્પિટલ પાસે એક વર્ષથી યુરિનલ બ્લોક બંધ હોવાથી જાહેરમાં ગંદકી
સહન ન કરો, કહો…..
પાલિકા દ્વારા લોકો જાહેરમાં લઘુશંકા ન કરે અને સ્વચ્છતા જળવાય તે માટે યુરિનલ બ્લોક બનાવવામાં આવ્યા છે. પરંતુ કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા માત્ર સ્વચ્છતા સર્વેક્ષણમાં દેખાડા માટે જ યુરિનલ બ્લોક બનાવ્યાનું લાગે છે.અશ્વનિકુમાર રોડ લેપ્રસી હોસ્પિટલ પાસે એક વર્ષ પહેલા યુરિનલ બ્લોક બનાવી તાળુ મારી દેવાયું છે. જેથી લોકો યુરિનલની બહાર જ લઘુશંકા કરે છે. લોકો કહે છે કે જો યુરિનલ બ્લોકને તાળુ મારીને જ રાખવાનો હતો તો બનાવ્યો શા માટે. શંુ આ બ્લોક ફક્ત સ્વચ્છતા સર્વેક્ષણમાં દેખાડા માટે બનાવ્યો હતો ? આ યુરિનલ બ્લોક પર લાગેલુ તાળુ પણ કટાઈ ગયું છે અને હવે કદાચ પાલિકાના અધિકારીઓ પોતે ચાવી લઈ ખોલવા જાય તો પણ ખુલે તેવી સ્થિતિ નથી.
કેમ કે બોલવું જરૂરી છે : આ એ સમસ્યાઓ છે જે આપણે રોજ જોઇએ છીએ અને ચૂપ રહીને ચલાવી લઇએ છીએ. જો આ બાબતો સુધરે તેવું ઇચ્છતા હોવ તો બેધડક કહો.
શું તમારી આસપાસ રસ્તો ખોદીને કામ અધૂરું મૂકી દેવાયું છે? ખોદકામ કરીને રસ્તો રિપેર કરાયો નથી? ગટરો ખુલ્લી છે? રહેણાકમાં જ કચરો ફેંકવામાં આવે છે? સ્ટ્રીટ લાઇટ બંધ છે? દબાણો છે? આવી કોઈ પણ સમસ્યા હોય તો ઇમેઇલ આઈડી dbsrtpressnote@gmail.com પર જણાવો. અમે તમારી સમસ્યા તંત્ર સુધી પહોંચાડીશું અને તેને સુધરાવવા પ્રયાસ કરીશું.
જીવનું જોખમ : મેટ્રોની માટી રોડ પર આવી, વરસાદ પડતાં ચીકણા રસ્તાથી વાહન ચાલકો સ્લીપ થતાં અકસ્માત વધ્યાં
સુરત: ટ્રાફિક જામ, પાણી ભરાવો અને વીજ પોલ બંધ રહેવાની સમસ્યાઓ માટે મેટ્રો કામગીરી પર આંગળી ચિંધાયા બાદ હવે લંબે હનુમાન રોડ પર મેટ્રો કામગીરીના લીધે રોડ પર માટીના થર વરસાદમાં કાદવ-કીચડની સમસ્યાનું સર્જન થઈ રહી હોવાની ફરિયાદ ઊઠી છે. વરસાદ પડતાં જ રોડ સુધી ફેલાયેલી માટી ચીકણી થવાના લીધે બાઇક ચાલકો સ્લીપ થઇ રહ્યાની સમસ્યાથી ગંભીર અક્સ્માતની ભીતિ સેવાઇ હતી. ચાલકોએ તાકીદે માટી સહિત કાદવ-કીચડની સફાઇ કરવાની માંગ કરી હતી.
સમાધાન : ચાેમાસામાં પણ નિર્માણ કામગીરી ચાલુ રખાશે : માનસંગ ચૌધરી, કાર્યપાલક ઈજનેર, ટ્રાફીક સેલ, પાલિકા
વર્ષ 2017માં સ્માર્ટ ટ્રાફીક સિગ્નલ ઈન્સ્ટોલેશન માટે એઆરએસ કંપનીને કામગીરી સોંપાઇ હતી. 5 વર્ષમાં માંડ 20% કામગીરી થતાં સપ્ટેમ્બર 2022માં કંપનીને ટર્મીનેટ કરાઇ હતી. પછી નવી કંપનીએ 10 મહિનામાં 30% કામગીરી કરી છે. હજુ 49% જેટલી કામગીરી બાકી છે. આ અંગે ઈજારદારને ઝડપથી કામગીરી પુર્ણ થાય તે માટે ચોમાસામાં ખાડા કરવાની વિશેષ પરવાનગી આપવામાં આવી છે. સ્થળ છોડવા પહેલા ઈજારદારને ખાડા પુરીને જવા માટે પણ સૂચના આપી છે.
એક આપત્તિ : શોર્ટકટ માટે ઉત્રાણ બ્રિજ પર રોંગવેમાં બેફામ વાહનો દોડે છે
સુરત: ઉત્રાણ-કાપોદ્રાને જોડતાં તાપી બ્રિજ પર રોજ સવારે રોંગ સાઇડ દોડતી વાહનોથી ગંભીર અક્સ્માતની ભીતિ સેવાઇ રહી છે. આ આપત્તિ ગંભીર અક્સ્માતનું કારણ બનશે તે પહેલાં ઉત્રાણ છેડે વહેલી સવારથી ટ્રાફિક નિયમન માટે પોલીસ કર્મીઓની સંખ્યા વધારવા માંગ ઊઠી છે. સમસ્યા કેમ વધી તે મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે, ઉત્રાણથી દોડતાં વાહનો કાપોદ્રા DGVCL ક્રોસિંગ પાસે ટ્રાફિકજામમાં ફસાય છે. આ સ્થિતિ હીરા બાગ સર્કલ, બરોડા પ્રિસ્ટેજ અને મીની બજાર ખાતે વધુ વિકટ બને છે. તેવામાં ઉત્રાણથી કતારગામ ફેક્ટરી જતા ચાલકો ધરમનગર અને સરસ્વતી સર્કલ જવા રોંગ સાઇડ વાહનો દોડાવી રહ્યાં છે.
અેક સવાલ : ચાલુ વરસાદમાં કોસાડમાં સ્ટ્રોમ ચેમ્બર બનાવ્યું,પહેલાં કેમ નહીં?
સુરત: કોસાડના ન્યારા પેટ્રોલ પમ્પ નજીક વરસાદી પાણી ભરાવાના લીધે લોકોને હેરાનગતિ વેઠવી પડી રહી હતી. લોકોની ફરિયાદ બાદ પાલિકા એ પમ્પ નજીકથી પસાર થતી સ્ટ્રોમ લાઇનમાં વધારાના ડ્રેન ઇનલેટ ચેમ્બરનું કામ શરૂ કરાવ્યું હતું. કતારગામ ઝોન દ્વારા ઇનલેટ ચેમ્બરની કામગીરી શરૂ થતાં અચરજ ફેલાઇ હતી. જોકે કામગીરી પૂર્ણ થતાં હવે પાણી ભરાવો થશે નહીં પરંતુ જે કામગીરી ચોમાસા પહેલાં કરવાની હતી તે વરસાદ વચ્ચે કેમ કરાઇ? પાલિકા પાસે કોઇ આગોતરું આયોજન ન હતું?