ચોમાસામાં ગુજરાતનાં ઘણાં એવાં સ્થળો છે જ્યાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. ગાંધીનગરમાં પણ ચોમાસું બરાબરનું જામ્યું છે. ત્યારે ગુજરાતના ગ્રીન સિટીથી જાણીતા ગાંધીનગરનો 1500 ફૂટ ઊંચાઈથી કેમેરામાં કંડારેલ એરિયલ વ્યૂ સામે આવ્યો છે. ગાંધીનગરનાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણાબેન કનુભાઈ દરજીનો પુત્ર નરેશ તેમજ ભત્રીજો નિશાંત દરજીએ દિવ્ય ભાસ્કર ડિજિટલના વાંચકો માટે ખાસ ગાંધીનગરનો આહ્લાદક ડ્રોન નજારો મોકલી આપ્યો છે. 1500 ફૂટ ઊંચાઈથી એરિયલ વ્યૂ નજારો જોતા સિમેન્ટ કોંક્રીટનાં જંગલોની વચ્ચે ગાંધીનગરની હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી છે.
જમીનની સપાટીથી 1000થી 1200 ફૂટની ઊંચાઇથી વાદળો આવી જાય છે
ગાંધીનગરની જમીનની સપાટીથી 1000થી 1200 ફૂટની ઊંચાઇથી વાદળો આવી જાય છે. એ વાદળોની ઉપરથી પ્રાકૃતિક સૌદર્યથી સોળે કળાએ ખીલી ઊઠેલા ગાંધીનગરનો વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. શહેરના સરગાસણ તળાવ, જ-રોડ, ગાંધીનગર બાયપાસ રોડ તેમજ સરગાસણ ચાર રસ્તાનો ડ્રોન નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.
સરકારી નિયમ મુજબ 250 ગ્રામ વજન ધરાવતા ડ્રોન ઉડાડવાની પરમિશન
વ્યવસાયે ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરતાં નિશાંત દરજીને ફોટોગ્રાફીનો પણ બહુ શોખ છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર પ્રવીણાબેન દરજીનો પુત્ર નરેશ ગૂગલ લોકલ ગાઈડ તરીકે બે વખત એવોર્ડ મેળવી ચૂક્યો છે. આ અંગે નરેશ દરજીએ કહ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં ગાંધીનગર સોળે કળાએ ખીલી ઊઠયું છે. જેનો 1500 ફૂટ જેટલી ઊંચાઈથી એરિયલ વ્યૂ નજારો ખરેખર આહ્લાદક છે. વધુમાં નરેશ દરજીએ ઉમેર્યું હતું કે, સરકારી નિયમ મુજબ 250 ગ્રામ વજન ધરાવતા ડ્રોન ઉડાડવાની પરમિશન છે. પરંતુ નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડાડી શકાય નહીં. આ ફોટોશૂટ 249 ગ્રામ વજનના “DJI mavic mini” ડ્રોનથી કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લામાં આશરે દોઢ લાખથી વધુ વૃક્ષો ગાંધીનગર જિલ્લામાં આશરે દોઢ લાખથી વધુ વૃક્ષોની સંખ્યા નોંધાયી છે. જ્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 5 વર્ષમાં 18241 વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે. ગ્રીન ગાંધીનગરની ઓળખને સુદૃઢ કરવા માટે ચાલુ વર્ષ 2023-24 માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીન ગાંધીનગર બનાવવા માટે સ્ટ્રિપ પ્લાન્ટેશન અંતર્ગત 10 હેક્ટર જમીનમાં 8 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે. તેમજ પ્લોટેશન( CAMPA) અંતર્ગત 20 હેક્ટર જમીનમાં 22 હજાર 220 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ મોડલ અંતર્ગત 5 હેક્ટર જમીનમાં 5 હજાર 555 રોપાઓનું, વન કવચ થીમ અંતર્ગત 9.9 હેક્ટર જમીનમાં 1 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. તેની સાથે અર્બન ફોરેસ્ટ મોડલ અંતર્ગત 1 હેક્ટર જમીનમાં 2 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે.