
ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડ (ATS)એ કચ્છના એક યુવકની ધરપકડ કરી છે, જે યુવક ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. આ યુવક યુવતીની સાથે વાતો કરતો દેશની ગુપ્ત માહિતી આપતો થઈ ગયો હતો. હનીટ્રેપમાં ફસાયેલા આ યુવકે એક માહિતી અને ફોટોગ્રાફ્સના બદલામાં ₹25,000 જેટલી રકમ મેળવતો હતો. આ યુવક બીએસએફમાં કામ કરતો હોવાની વિગત પણ સામે આવી રહી છે. હાલ ગુજરાત ATSએ ગુજરાતના સરહદી વિસ્તારની મહત્ત્વની માહિતી પાકિસ્તાન પહોંચાડતા યુવકની ધરપકડ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે તેના વધુ કનેક્શન સામે આવે તેવી શક્યતા છે.
પાકિસ્તાની યુવતીએ ઓળખ અદિતી તરીકે આપી
બીએસએફમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો પટાવાળો ભારતની મહત્વની માહિતી અને ફોટોગ્રાફ્સ પાકિસ્તાનમાં આઈએસઆઈ સુધી પહોંચાડતો હતો. સાત ટ્રાન્જેક્શનમાં તેણે 28 હજાર રૂપિયા લીધા હતા. પરંતુ આ માત્ર પૈસાનો ખેલ ન હતો, યુવકને ફસાવવા માટે પાકિસ્તાનમાં બેઠેલી યુવતી પોતાની ઓળખ અદિતિ તરીકે આપી હતી. જ્યારે આ બાજુ પણ પટાવાળાએ પોતે ક્લાર્ક હોવાનું કહીને શેકી મારી હતી. ધીમે ધીમે બીએસએફની વાતો શરૂ થઈ અને સાથે સાથે અદિતિએ યુવકને પોતાના પ્રેમમાં વસાવ્યો હતો.
પાકિસ્તાની યુવતી દિવસમાં સંખ્યાબંધ ફોન કરતી
ધીમે ધીમે જાણે એટલી હદે તેને લાચાર બનાવી દીધો હતો કે અદિતિ સંખ્યાબંધ વખત દિવસમાં તેને ફોન કરતી હતી. પરંતુ યુવક પરિણીત હતો, એટલે પોતાની પત્નીથી છૂપાઈને તે અદિતિ સાથે વાત કરતો હતો. આ સમગ્ર મામલો હાલ રાષ્ટ્રીય સુરક્ષા સુધીનો બની ગયો છે. હનીટ્રેપમાં ફસાયેલો યુવક દુશ્મન દેશનો જાસુસ બની ગયો અને તેણે સંખ્યાબંધ માહિતી પાકિસ્તાનમાં ISIના હેન્ડલર સુધી પહોંચાડી દીધી છે.
આરોપી બીએસએફમાં પટાવાળો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતના કેટલાક લોકો હનીટ્રેપનો શિકાર બનીને કેટલી ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હોય છે. આવા અનેક કિસ્સા અગાઉ સામે આવી ચૂક્યા છે, ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો આ વખતે કચ્છમાંથી સામે આવ્યો છે. કચ્છનો એક યુવક જેનું નામ વિશાલ બડિયા હોવાનું સામે આવ્યું છે. વિશાલ બડિયા બીએસએફના કોઈ વિભાગમાં પટાવાળાનું કામ કરતો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
એક યુવતીની હનીટ્રેપમાં ફસાયો
ગુજરાત ATSએ આ સંદર્ભે મહત્ત્વની તપાસ કરતા જાણવા મળ્યું કે, વિશાલ થોડા સમયે અગાઉ એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે યુવતી દેખાવમાં ખૂબ સુંદર હતી પણ સોશિયલ મીડિયા પર થયેલો સંપર્ક યુવકને તેની તરફ આગળ લઈ ગયો હતો. ધીમેધીમે સામે તરફથી વાત કરતી યુવતી પોતાની અંગત વાતોની સાથેસાથે ભારતની કેટલીક માહિતીઓ અને ફોટોગ્રાફ્સ, નકશા મંગાવતી હતી. જેના આધારે વિશાલ પણ આ યુવતીના કહેવા પ્રમાણે કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ યુવકે મોકલેલી માહિતીના બદલામાં તેને રૂપિયા મળતાં થઈ ગયા હતા, એટલે ફોટોગ્રાફ્સના બદલામાં તેને અંદાજે 25000 રૂપિયા જેટલા મળ્યા હોવાની શક્યતા છે.
અમદાવાદમાં પૂછપરછ કરાશે
ગુજરાત ATS દ્વારા વિશાલની ધરપકડ કરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીએસએફની કેટલી મહત્ત્વની માહિતી તેણે પાકિસ્તાનના હેન્ડ સુધી પહોંચાડી દીધી હતી અને તે પણ હનીટ્રેપના શિકાર થયા બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે.