
ગુજરાતમાં 10 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારે ઝરમર વરસાદ વરસ્યા બાદ 11 વાગ્યા બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, શિવરંજની, સોલા, સિંધુભવન, મકરબા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. જો કે, બપોર બાદ વરસાદની ગતિ વધી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ઈસનપુર રોડ પર ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રસ્તાઓ પાણી પાણી થયા
અમદાવાદમાં ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે સવારથી ફરીથી વરસાદ શરૂ થયો છે. ગઈકાલ રાત બાદ હવામાન વિભાગની આગાહી મુજબ શહેરમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. શહેરમાં નવરંગપુરા, વેજલપુર, આંબાવાડી, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પાણી પાણી થયા છે.
અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ અને આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ અને પોરબંદરમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી કરાઈ છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
ગઈકાલે બેથી લઈ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
અમદાવાદમાં ગઈકાલે સાંજે 6 વાગ્યાથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બે કલાકમાં શહેરમાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. નિકોલ, ઓઢવ, વિરાટનગર, નવા નરોડા, પાલડી, વાસણા, રિવરફ્રન્ટ, એલિસબ્રિજ સહિતના વિસ્તારમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મેમકો, અમદુપુરા, કઠવાડા, સરખેજ, જૂહાપુરા સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના બાકી વિસ્તારોમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજની નીચેના ભાગે વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયા હતા.