14 જુલાઈની બપોરે ભારતના લોકો જ નહીં, વિશ્વભરની આંખો આકાશમાં મંડાયેલી હતી, કારણ કે ચંદ્રયાન-3 લોન્ચ થવા જઈ રહ્યું હતું. ભારત માટે આ ક્ષણ ઐતિહાસિક હતી અને 25 ઓગસ્ટે ચંદ્રયાન જ્યારે લેન્ડ થશે ત્યારે ભારત માટે ગૌરવની ઘડી હશે. ચંદ્રયાન-3 બનાવવા માટે ગુજરાતનો મોટો ફાળો રહ્યો છે, એ ગુજરાત માટે ‘ધન ઘડી ધન ભાગ’ છે. અમદાવાદમાં ઈસરો સેન્ટર છે જ. એમાં સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પ્રકારના પાર્ટ્સ બન્યા. રોકેટનો મુખ્ય ભાગ જામનગરની ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે. આ મશીનને 8 જુદી જુદી ટ્રકોમાં લઈ જવામાં આવ્યું હતું અને પછી તેને ભેગા કરીને રોકેટનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો. તો ચંદ્રયાનના રોવરમાં માઇક્રો અને સૂક્ષ્મ કેમેરા ચારે બાજુ મૂકવામાં આવ્યા છે તે પ્રોજેક્ટનું કામ મૂળ કચ્છની કંપનીને સોંપવામાં આવ્યું હતું. એટલું વિચારો કે, ચંદ્રયાન-3ના રોકેટના મુખ્ય તોતિંગ ભાગો ટ્રકમાં જામનગરથી નીકળ્યા હશે અને આંધ્રના શ્રીહરિકોટા પહોંચ્યા હશે, ત્યાં જ ગુજરાતી તરીકે કેવો ગર્વ થાય.
અમદાવાદ ISROમાં ચંદ્રયાન-3ના 11 પાર્ટ બન્યા
ચંદ્રયાન-3માં અમદાવાદ ઇસરોનો મહત્ત્વનો ફાળો છે. જેમાં અમદાવાદ ઇસરો દ્વારા અલગ અલગ પાર્ટ બનાવાયા છે. તેમાં 11 જેટલા પાર્ટ અમદાવાદ ઈસરોએ બનાવ્યા છે. તેમજ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ બનાવ્યા હતા. કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટિમીટર સેન્સર સાથે પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર ઈસરો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્ર ઉપર સરળતાથી લેન્ડિંગ માટે સેન્સર, પેલોડની ખૂબ જરૂર પડે છે. ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. ભારત હવે સેટેલાઈટ ક્ષેત્રે પણ વિશ્વના દેશોને પાછળ રાખવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. ચંદ્રયાન-2ની અંદર પણ ભારતે પોતાના પ્રથમ પ્રયાસે ચંદ્રના દક્ષિણ ભાગમાં સૌથી દૂર સુધી પહોંચવાનો રેકોર્ડ કર્યો હતો.
ભારતે ફરી એકવાર ચંદ્ર પર પોતાનું સેટેલાઈટ છોડ્યું
4 વર્ષના ટૂંકા ગાળામાં જ ભારતે ફરી એકવાર ચંદ્ર પર પોતાનું સેટેલાઈટ છોડ્યું છે. ચંદ્રયાન-3 બનાવવામાં અમદાવાદ ISROનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. ચંદ્રયાન 3એ ચંદ્રયાન-2નું ફોલોપ મિશન છે. ચંદ્રયાન-2ની અંદર સફળતા પ્રાપ્ત થઈ ન હતી, જેના થકી જ ચંદ્રયાન-3 બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સખત મહેનત બાદ આખરે ચંદ્રયાન-3ને છોડવામાં સફળતા મળી છે. ભારતની અંદર આવેલા તમામ ISROએ આમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. જેમાં અમદાવાદ ખાતે આવેલા અંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટરનું પણ ખૂબ જ મોટું યોગદાન છે.
અગત્યની તસવીરો માટે કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા
આ ઉપરાંત ચંદ્રયાન-3માં કચ્છનું પણ યોગદાન રહેલું છે. 45 દિવસ પછી ચંદ્રયાન-3 ચંદ્ર સપાટીએ ઊતરશે, ત્યારે અગત્યની તસવીરો અને માહિતીઓ પૃથ્વી પર અવલોકન માટે મૂકવામાં આવશે. તે આધુનિક ટેક્નોલોજીના કાર્ય માટે મૂળ કચ્છની કંપની પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીને કામ સોંપવામાં આવ્યું હતું. 84,400 કિમી દૂરથી ચંદ્રયાન પર ફોટા મૂકવાનું કામ કરશે, જે મહત્ત્વની બાબત છે.
તમામ ગતિવિધિઓના ડેટા અને ફોટા પૃથ્વી પર આવશે
ચંદ્રયાનમાં અત્યાર સુધીમાં 14 જેટલી કંપનીઓ પોતાની આધુનિક ટેક્નોલોજીમાં નિષ્ણાત હોવાથી તેમને કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં અંતરીક્ષમાં ચંદ્રયાન લેન્ડ થયા બાદ પોપ્યુલેશન મોડ્યુલ લેન્ડર અને રોવર સામેલ છે. તેમાંથી લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઊતરશે. રોવર શોધખોળ કરશે. જે માટે માઇક્રો અને સૂક્ષ્મ કેમેરા ચારે બાજુ મૂકવામાં આવ્યા છે તે ચંદ્ર પરની તમામ ગતિવિધિઓના ડેટા અને ફોટા પૃથ્વી પર મોકલશે. જે પ્રોજેકટનું કામ મૂળ કચ્છની કંપનીને સોંપવામાં આવતાં ચંદ્રયાનમાં કચ્છ પણ છવાયું છે.
ડીઆરડીએલ હૈદરાબાદ દ્વારા ઓર્ડર અપાયો હતો
માંડવી તાલુકાના બિદડા ગામના બચુભાઈ રાંભિયાના સગાભાઈના પુત્ર મુંજાલની કંપની પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી રક્ષામંત્રાલયને ડ્રોન, એન્ટિડ્રોન, સબમરીન માટે ઇલેક્ટ્રોનિક સર્કિટ સહિતની લશ્કરની અગત્યની સામગ્રી પૂરી પડાઈ રહી છે. મહારાષ્ટ્રના નેહરૂલ અને અમરનાથ ખાતે કામ ચાલી રહ્યું છે. હૈદરાબાદ અને બેંગ્લોરમાં રિસર્ચ સાયન્ટિસ્ટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. 84,400 કિમી દૂરથી ચંદ્રયાન પર ફોટા મૂકવાનું કામ મુંબઇ ખાતે કચ્છની કંપની પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીને મળતા ચંદ્રયાનમાં કચ્છનું નામ પણ સંકળાયેલું હોવાથી કચ્છને ગૌરવ મળ્યું છે. બિદડા ખાતે રતનવીર નેચરક્યોર સેન્ટરના ડાયરેક્ટર હેમત રાંભિયાના કાકાઇ ભાઈ નેશનલ ડિફેન્સ એકેડેમી ધરાવી રહ્યા છે.
જામનગરની ગીતા એન્જિનિયરિંગે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
આ મિશન માટે જામનગરની એન્જિનિયરિંગ કંપની ગીતા એન્જિનિયરિંગે મોટું યોગદાન આપ્યું છે. રોકેટનો મુખ્ય ભાગ જે છે, તે જામનગર ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે. આ બનાવવા માટે તેમને 6થી 8 મહિના લાગ્યા હતા તેમ જ દિવસ-રાત 25થી 30 માણસો આના માટે કામે લાગ્યા હતા. અત્યંત આધુનિક અને સંપૂર્ણપણે કોમ્પ્યુટર સંચાલિત આ મશીન બનીને તૈયાર થયું, ત્યારે એટલું મોટું હતું કે તેને જુદું કરીને આઠ ટ્રકોમાં બેંગ્લોર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં કંપનીના બે માણસો પણ સાથે ગયા હતા. તેઓએ મશીનને ત્યાં ભેગું કરી રોકેટનો મુખ્ય ભાગ બનાવી ચંદ્રયાન મિશનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ગીતા એન્જિનિયરિંગને આ મશીન બનાવવાનો ઓર્ડર ડીઆરડીએલ, હૈદરાબાદ દ્વારા આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ સીએનસી ટર્મિનલ મીલ નામથી ઓળખાતા આ મશીનને બનાવીને ગીતા એન્જિનિયરિંગે નવો કીર્તિમાન તો સ્થાપિત કર્યો છે, પરંતુ જામનગરનું ગૌરવ પણ વધાર્યું છે.
સબમરીન, મિસાઈલ વગેરેના પાર્ટ્સ બનાવ્યા છે
ગીતા એન્જિનિયરિંગ દ્વારા ડિફેન્સમાં આ કંઈ પહેલું કામ ન હતું તેમણે પ્લેનના પાર્ટ્સ, સબમરીનના મડગાંવ ખાતે ચાલતા ફ્રાન્સના સહયોગથી આ સબમરીનનું પાર્ટ્સનું કામ પણ કરે છે. આ ઉપરાંત તેમણે રેલવે એન્જિન, બોમ્બ વગેરે અનેક પાર્ટ્સ બનાવ્યા છે અને અનેકનાં કામ હજુ પણ ચાલી રહ્યાં છે.
મશીન શેમાંથી અને કેવી રીતે બન્યું
સીએનસી ટર્મિનલ મીલ એટલે કે રોકેટનો મુખ્ય ભાગ બનાવવાનું મશીન બનાવવામાં આવ્યું તેમાં કાસ્ટિંગ ભઠ્ઠી લોખંડ અને જર્મની તેમજ જાપાનના ઈમ્પોર્ટેડ માલનો ઉપયોગ કરાયો હતો. આ મશીન ફુલ્લી કોમ્પ્યુટરાઈઝ્ડ છે અને કોમ્પ્યુટર દ્વારા જ સંચાલિત છે.
ચેલેન્જવાળા કામમાં અમે નિષ્ણાત છીએ: મેનેજિંગ ડાયરેક્ટર
રોકેટના મુખ્ય ભાગ અમને બનાવવા માટે ઓર્ડર મળ્યો તે પહેલાં અનેક એન્જિનિયરો વૈજ્ઞાનિકોએ અમારી મુલાકાત લીધી હતી કંપની જોઈ હતી અને અમારી કામની ક્ષમતા પણ પરખી હતી અને ભૂતકાળમાં કરેલાં કામની સમીક્ષા પણ કરી હતી જે પછી 60 ટનના આ રોકેટના મુખ્ય ભાગનું મશીન બનાવવાનું કામ અમને મળ્યું હતું. ચેલેન્જવાળા કામ કરવામાં અમે નિષ્ણાત છીએ.
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું હતું
શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ બાદ હવે લેન્ડર-રોવર 45થી 50 દિવસમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે. સાથે જ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલનો સમાવેશ થાય છે અને તેનું વજન કુલ 3,900 કિગ્રા છે. આ રોવર ચંદ્રયાન-2 ના વિક્રમ રોવર જેવું જ છે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગની ખાતરી કરવામાં મદદ કરવા માટે સુધારાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. તમે ચંદ્રયાન-3નું લાઈવ લોન્ચિંગ ઓનલાઈન અથવા મોબાઈલ પર ઘરે બેઠા જોયું હશે.