
સુરતમાં રીલ્સની ઘેલછામાં એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યાનો વીડિયો વાયરલ થયો છે. સમયાંતરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રીલ્સ બનાવતા યુવાનોના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે આજે જે વીડિયો વાયરલ થયો છે તેમાં યુવકને જાણે પોતાના પરિવારની પણ ચિંતા ન હોય તેમ જોખમી રીતે 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી ઓવરબ્રિજની પાળી પર ચાલતો નજરે પડે છે. આ યુવકનો વીડિયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે જે વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
યુવકનું જીવના જોખમે વોક
સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. શહેરના લગભગ તમામ ઝોનમાં અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ ઉપર યુવકો ફોટો પાડતા અને વીડિયો ઉતારતા જોવા મળે છે. પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે પાંડેસરા વિસ્તારનો છે. જેમાં યુવક ઓવરબ્રિજની પાળી ઉપર ચાલતો હોવાનો વીડિયો બનાવી રહ્યો છે. અંદાજે રોડથી 25થી 30 ફૂટ ઊંચાઈ ઉપર માત્ર એક ફૂટ જેટલી પહોળી પાળી ઉપર ચાલતો દેખાઈ રહ્યો છે.
વીડિયોમાં શું જોવા મળે છે
વીડિયોમાં જોવા મળે છે કે, યુવાને રેડ કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને તે વ્યક્તિ બ્રિજની પાળી પર ચડે છે. બાદમાં યુવક સાંકડી પાળી પર કોઈ પણ પ્રકારના આધાર વગર ચાલવા માંડે છે. બ્રિજ પર રહેલા બે યુવક તેને નીચે ઊતરી જવાનું કહેતા હોય તેવું જણાય છે. પરંતુ યુવક પાળી પર ચાલ્યો જ જાય છે. આ યુવક બ્રિજની પાળી પર 20 ફૂટ જેટલું ચાલ્યો હતો અને બાદમાં નીચે ઊતરી ગયો હતો.
યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરાઇ: PI
આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કમલિયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો પાંડેસરાના પીયૂષ પોઈન્ટ વિસ્તારનો છે. કોઈ યુવક બ્રિજ ઉપર ચાલી રહ્યો હોવાનું જણાઇ આવ્યું છે. આ યુવક કોણ છે તેની તપાસ કરવા માટે અમારી ટીમ પહોંચી છે.

પોલીસની કાર્યવાહી છતાં યુવકો ગાંઠતા નથી
શહેરમાં જ્યારે પણ આવા રીલ્સ બનાવતા વીડિયો સામે આવ્યા હોય ત્યારે પોલીસ તેમને શોધીને તેમની સામે કાર્યવાહી પણ કરે છે. છતાં પણ યુવકો પોતાના જીવના જોખમે આ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે. થોડા દિવસ અગાઉ એક કોમર્શિયલ પ્લાઝા ઉપર યુવકો ચડી ગયા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. તેમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

યુવકોએ આ રીતે જીવ જોખમમાં ન મૂકવા લોકોમાં ચર્ચા
આ યુવકો બ્રિજ ઉપર ચડીને વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં પણ કેવી રીતે વીડિયો શૂટ કરી રહ્યા હતા તે પણ જાણવા જેવો વિષય છે. યુવકોએ વીડિયો ઉતારવા માટે બ્રિજ ઉપર જ વાહન પાર્ક કરી દીધાં હતાં કે ચાલતાં ચાલતાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા? યુવકોએ સમજવું જોઈએ કે આવી રીલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ એવી ચર્ચા શહેરીજનોમાં ઊઠી છે.
