
સુરતના મેડિકલ સ્ટોર પરથી ગેરકાયદે નશાકારક સીરપ અને દવાનું વેચાણ થતી દુકાનો પર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.જ્યાંથી આ મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સીરપની 250 નંગ સીરપ બોટલો સહિતનો મુદ્દામાલ કબજે કરી મેડિકલ સ્ટોર ધારક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ
સુરતમાં એસઓજી પોલીસને માહિતી મળી હતી કે ઉધના પટેલ નગર પાસે આવેલી કાશીનગર સોસાયટી નજીક આવેલા રિયા કેમિસ્ટ મેડિકલ સ્ટોર્સ પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપનું વેચાણ થઇ રહ્યું છે. જેથી એસઓજી પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો.જ્યાં મેડિકલ સ્ટોરના સંચાલક વૈષ્ણવ બાબુલાલ ભીખારામ ચૌધરીએ કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું. જેથી એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો. પોલીસે મેડિકલ સ્ટોરમાંથી નશાકારક સિરપની ગેરકાયદેસર વેચાણ કરાતી 250 નંગ બોટલો કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ
વધુમાં મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલી અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતો સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદે જણાઈ આવ્યેથી ધી ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ અને રૂલ્સ હેઠળ મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવનાર છે.

