અત્યાર સુધી 2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા
રાજ્યના મોટાભાગના જિલ્લા પૂરની લપેટમાં, શિમલાનું અસ્તિત્વ જોખમમાં
હિમાચલ પ્રદેશમાં કુદરતનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં વારંવાર ભૂસ્ખલન અને આભ ફાટવા જેવી ઘટનાઓ બની રહી છે જેના લીધે જનજીવનને માઠી અસર થઈ છે. હિમાચલ પ્રદેશની સરકારના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં કુલ 71 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 2500થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. તેની સાથે જ રાજ્યને 7500 કરોડ રૂપિયાથી વધુ નુકસાન વેઠવું પડ્યું છે.
શિમલા-કાંગડાની હાલત દયનીય
રાજ્યના મોટાભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે પોંગ ડેમથી પાણી છોડવામાં આવતા કાંગડા જિલ્લામાં પૂરની ભયાવહ સ્થિતિ સર્જાઈ હતી. લોકોને ઝડપથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. શિમલામાં તો અસ્તિત્વનું જ જોખમ ઊભું થયા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. ત્યાં પણ ભૂસ્ખલન અને ભારે વરસાદની ઘટનાઓએ વિનાશ વેર્યો છે.
કાંગડા જિલ્લામાંથી 2500 જેટલા લોકોને રેસ્ક્યૂ કરાયા
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માત્ર કાંગડામાંથી 2500 જેટલા લોકોને રેસ્ક્યૂ કરાયા છે. રેસ્ક્યૂમાં આર્મીની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લા તંત્ર, સૈન્ય અને ભારતીય વાયુસેના મળીને રાહત બચાવ કામગીરી કરી રહી છે. જ્યારે શિમલાના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. છેલ્લા ઘણાં દિવસોથી શિમલામાં ભારે ભૂસ્ખલન થયું છે. અનેક ઈમારતો તાશના પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. શહેરી વિકાસ વિભાગની અનેક ઈમારતો પણ ધસી જવાની સ્થિતિમાં છે.
કૃષ્ણાનગરમાં ભૂસ્ખલનથી બે લોકોના મોત
શિમલાના કૃષ્ણાનગરમાં ભયાનક ભૂસ્ખલન થયું, જેમાં કતલખાના સહિત અનેક મકાનો ધરાશાયી થઈ ગયા. કૃષ્ણનગર વોર્ડમાં સ્લોટર હાઉસ પાસે ભૂસ્ખલનને કારણે 5 ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મંગળવારે સાંજે બનેલી આ દુર્ઘટના બાદ રાત્રિ દરમિયાન રાહત કાર્ય ચાલુ રહ્યું હતું. અત્યાર સુધીમાં તેમાંથી બે લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે.
શિવ મંદિરમાં 13 લોકોના મોત
ઈમારતો પર તોળાઈ રહેલા જોખમને જોતા 35 થી વધુ મકાનોના રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, શિવ મંદિરમાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે.