
આજે માણસ પાસે બધું જ છે પરંતુ ખુશી નથી. ખુશી મેળવવા માટે માણસ ફાફા મારે છે, પરંતુ ખુશ ખુશાલ જીંદગી જીવી શકતો નથી. ખુશીનું રસાયણ વિચારોમાં છે. એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે એક નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. ૧૮ જાન્યુઆરી ગુરુવારે ૪૪માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં નવા વિચારનું વાવેતર કરતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીવ સૃષ્ટિમાં માત્ર માણસ જ ખુશી વ્યક્ત કરી શકે છે. એટલે “ખુશીથી છલકાવું તે જીવનની ખરી સાર્થકતા છે.” ખુશીથી છલકાતું જીવન જીવવાનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાનશ્રી કૃષ્ણ છે. દરેક ક્ષણે ખુશ રહેવું, ધબકતુ જીવન જીવવું તે ખરું માનવ જીવન છે. સોનાના પીંજરામાં રહેલા પક્ષીને સુખી ગણી શકાય પરંતુ તે ખુશ નથી. તેમ માણસ સુવિધાઓના પીંજરામાં પુરાયેલો છે. એટલે સુખી દેખાય છે. પરંતુ તે ખુશ નથી. માણસો મનને મારીને જીવે છે. ઇચ્છાઓને દબાવીને જીવીએ છીએ. મનોમન કદી રીબાવવું નહિ. કા તો બંડ પોકારી ધાર્યું જીવન જીવો અથવા જાતને અનુકુળ કરી જીવનને માણો. સમજણમાં જ ખુશી છે. ખુશ રહેવા મનને ઘડવું પડે છે. જે સારા વિચારોથી ઘડી શકાય છે.
આ પ્રસંગે જાણીતા મોટીવેટર અને લેખક શ્રી શૈલેશભાઈ સાગપરીયાએ જણાવ્યું હતું કે, જીવનની ચાર અવસ્થા ઉમર પ્રમાણે નહિ પરંતુ દરરોજ ચાર ચાર અવસ્થા પ્રમાણે જીવવું પડે તેવો સમય આવી ગયો છે. નવું જાણો, આર્થિક ઉપાર્જન વગેરે માટે કામ કરો તથા પરિવાર-સમાજ કે રાષ્ટ્ર માટે કંઈક કરવું તથા પોતાના માટે જીવવું.. જો સમયની સાથે અપડેટેડ નહી રહો તો આઉટડેટેડ થઈ જશો. માટે નવા-નવા વિચારો અને જાણકારી મેળવવી ખુબ જરૂરી છે. ગુજરાતમાં ક્લાસવન અધિકારી તરીકે સેવા માંથી નિવૃતી લઈ લેખન તથા મોટીવેશન માટે જાણીતા શ્રી શૈલેશભાઈ સાગપરીયાએ વિચારોના વાવેતર કાર્યક્રમને બિરદાવી પરિવર્તન માટેની યોગ્ય દિશા ગણાવી હતી.
જયારે ધબકારના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરીયાએ પોતાનો વિચાર રજુ કરતા જણાવ્યું હતું કે, માણસ સગવડતા માટે સતત દોડે છે પરિણામે જીવનમાં ખુશીને બદલે ટ્રેસ મળે છે. સગવડતામાં સુખ છે પરંતુ પ્રસન્ન મન એટલે ખુશી. માત્ર સુવિધાઓથી સુખ દેખાય પરંતુ ખુશી ન મળે તો માણસને થાક લાગે છે. પરિવારની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દીકરીના સગપણ માટે માત્ર મોટર – બંગલા અને સમૃદ્ધિ જ જોવામાં આવેતો ક્યારેક દીકરીને ગુંગળામણ થાય છે. જીવનમાં ખુશી જરૂરી છે. પ્રામાણિક અને નૈતિકતાથી જીવાતું જીવન વધુ ખુશી આપે છે.
દાતાશ્રીઓને આવકાર
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ૧૦૦૦ ભાઈઓ માટે જમનાબા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને ૫૦૦ બહેનો માટે કિરણ મહિલાભાવનનું ભૂમિ પૂજન થોડા સમયમાં થનાર છે. ત્યારે રિદ્ધિ કોર્પોરેશના શ્રી ધવલભાઈ ભંડેરી સંસ્થાના દાતા ટ્રસ્ટી બન્યા છે. દાતા તરીકે શ્રી ધવલભાઈ ભંડેરી તથા તેમના ધર્મ પત્ની ગુલાબબેનનું અભિવાદન થયું હતું. શહેરના જાણીતા શ્રીપદ ગ્રુપના અતુલભાઈ જી. માલાણી પરિવાર તરફથી એક ઓરડાનું દાન જાહેર થયેલ છે. તેમના પુત્ર સમીપભાઈ માલાણીનું સંસ્થાએ અભિવાદન કર્યું હતું. માત્ર ૩૦ મિનીટ માટે યોજાતા વિચારોના વાવેતર કાર્યક્રમમાં ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી આ કાર્યક્રમમાં નવા-નવા વિચાર આપી સૃદ્રઢ સમાજ ધડતરનું નોંધનીય કાર્ય થાય છે. યુવા ટીમના શ્રી રાજુભાઈ ગૌદાણી તથા ભાવેશભાઈ રફાળીયાએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું જયારે વ્યવસ્થા યુવા ટીમે સાંભળી હતી.
ખુશીનું મેઘધનુષ
વિચારોના વાવેતર કાર્યક્રમમાં વક્તાઓએ ખુશી એટલે શું? તે ક્યાંથી મળે તે માટે ખુશીનું મેઘધનુષ એટલે કે ૭ સ્થાન જણાવ્યા હતા. ખુશી એટલે સગવડતાની મજા નહીં મનની પ્રસન્નતા તે ખરી ખુશી છે. ખરી ખુશી અને આનંદ ૭ સ્થાનો પરથી વધુ મળે છે. તેમાંથી સતત ખુશી પ્રાપ્ત કરી શકાય છે. ૧) પરિવારમાંથી ૨) નિસ્વાર્થ મિત્રતાથી ૩) આપવાથી ૪) જીત-વિજય થી.. અવગુણ.. ઉણપ ઉપર વિજય મેળવવાથી ૫) સારા આરોગ્ય થી ૬) પ્રામાણિકતા અને નૈતિકતા થી અને આશાઓ માંથી…. નાની નાની બાબતોમાં જ ખુશી સમાયેલી છે દરેક ક્ષણને સંપૂર્ણ જીવવાનું લક્ષ બનાવી વર્તમાનમાં જીવશો તો ખુશીઓમાં અહેસાસ સતત વધતો રહેશે. માત્ર વિચારવાની રીત બદલો તો જીવન પણ બદલાશે.. તેવા મુદ્દાઓ સાથે “ખુશી” ને સુખથી જુદી પાડી.. જીવનની એક રીત જણાવવામાં આવી હતી