
વ્યક્તિના સુખી જીવન માટે મહત્વનો આધાર નિરોગી શરીર છે. આરોગ્ય પ્રત્યેય વધુ જાગૃતિ અને સજાગતા વધે તેવા હેતુથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારનું વાવેતર કરવામાં આવે છે. હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી થર્સ-ડે થોટ્ કાર્યક્રમનું આયોજન થાય છે. તા. ૮મી ફેબ્રુઆરી અને ગુરુવારે શહેરના જાણીતા જનરલ પ્રેકટીસનર ડૉ. નનુભાઈ હરખાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ ૪૭માં કાર્યક્રમમાં શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસે કેટલું જીવવું છે? અને કેવું જીવવું છે? તેનો મુખ્ય આધાર પોતાનું શરીર છે. કોઈ રોગ અંગે દર્દીએ જ ડોક્ટરને જણાવવું પડે છે. રોગની પીડા સર્વ પ્રથમ દર્દીને થાય છે. તે ધારે તો પીડા થવાનું કારણ જાણી શકે છે. અને તેવું ન થાય તે માટે કાળજી રાખી વધુ નિરોગી રહી શકે છે. એટલે જ નવો વિચાર આપતા જણાવ્યું કે, વ્યક્તિ પોતે જ પોતાના શરીર માટે પ્રથમ વૈદ છે. નિરોગી રહેવા માટે અને લાંબુ જીવવા માટે સૌથી મહત્વનો તેનો સ્વભાવ છે. મોટે ભાગે ભોજનમાં બેદરકારી અને ખોટી રીતે લેવાતા ટેન્શનના કારણે અનેક રોગોને નિમંત્રણ આપવામાં આવે છે. વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે જીવતો હોય છે. સારો સ્વભાવ ન હોય તો મન અને શરીરને પણ નુકશાન થાય છે. લાંબા અને સારા જીવન માટે દવા કરતા સ્વભાવ વધુ અસરકારક છે. વર્તમાન સમયે નાની ઉંમરે હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોક કે કેન્સર જેવા જીવલેણ રોગ વધી રહ્યા છે. તેને માટે ખોરાક અને ખરાબ જીવનશૈલી જવાબદાર છે. આહાર-વિહાર અને વિચાર એ આરોગ્ય માટે ગુરૂ ચાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીજીવિષા, નિજાનંદ અને ખુશી એ વિનામુલ્ય મળતી મુલ્યવાન દવા છે. જીવવાની દ્રઢ ઈચ્છા જરૂરી છે. વ્યક્તિ અંદરથી ખુશ રહેવો જોઈએ. આજે વ્યક્તિ કોઈ ને કોઈ ટેન્શનમાં-ચિંતામાં જીવે છે. તેમાંથી બહાર આવી નિજાનંદમાં જીવવું તથા સદા ખુશખુશાલ રહેવાથી બીમારી ઘટે છે. ખરેખર ખુશી વિનામુલ્ય મળવી અકસીર દવા છે.

છેલ્લા ૫૦ વર્ષથી વધુ સમયથી જનરલ પ્રેક્ટીસ કરતા ડો. નાનુભાઈ હરખાણી શહેરના ખુબ જાણીતા તબીબ છે. તબીબોની કલીનીકલ મીટીંગમાં માર્ગદર્શન આપતા અને આર્યુવેદ કોલેજમાં લેકચરર તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું છે. તેવા ડો. હરખાણી આજે મેડીકલ જગતની પાયાની જાણકારી આપતી ડીક્સનેરી છે. લોકોને માત્ર નાડી નહીં તેનો સ્વભાવ પણ પારખવામાં નિષ્ણાંત એવા ડો. હરખાણીએ જણાવ્યું હતું કે, માનવ શરીર માટે સૌથી મહત્વની વસ્તુ હવા, પાણી અને ખોરાક છે. શુદ્ધ હવા અને શુદ્ધ પાણી શરીરને નિરોગી રાખે છે. શરીરને જરૂરી પોષકતત્વો ખોરાક માંથી મળે તેવો ખોરાક લેવો જોઈએ. વર્તમાન સમયે આરોગ્યના ઉભા થયેલા પ્રશ્નો ચિંતા જનક છે. સારા ઘરના બાળકો પણ કુપોષિત છે. સારો ખોરાક લેવાની કાળજી દરેકે રાખવી પડે તેમ છે. તંદુરસ્ત શરીર રાખવા તંદુરસ્ત મન રાખવું જરૂરી છે. નિજાનંદમાં રહેવું તે દવા જેટલું જરૂરી છે. કારણ વગરની ચિંતા અને વધુ પડતું ટેન્શન રોગને નિમંત્રણ આપે છે.
|| મહિલાદાતા ટ્રસ્ટી ||

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ટૂંક સમયમાં બહેનો માટે કિરણ મહિલા ભવન નિર્માણ માટે ભૂમિપૂજન થનાર છે. ત્યારે ટ્રસ્ટીદાતા પરિવાર માંથી મનસુખભાઈ ભાલાળા તથા તેમના ધર્મ પત્ની પ્રભાબેને મહિલા હોસ્ટેલ માટે આર્થિક સહયોગ જાહેર કર્યો છે. મહિલા દાતા ટ્રસ્ટી તરીકે પ્રભાબેન મનસુખભાઈ ભાલાળાનું ખાસ અભિવાદન કરાયું હતું. મહિલા વિંગના સક્રિય સભ્ય બની બહેનો માટે કામ કરવાની તત્પરતા દાખવી છે.
ચક્ષુદાન માટે સરાહનીય કાર્ય કરનાર ડો. પ્રફુલભાઈ શિરોયાની ઓળખાણ જ નેત્રદાન માટે કાર્યકર્તા તબીબ તરીકે ની છે. રેડ ક્રોસ સોસાયટી તથા હોમ ગાર્ડસમાં ખુબ સારી સેવા આપી છે. રેડ ક્રોસ બ્લડબેંક ના સ્થાપક અને નેત્રદાન તથા દેહદાન માટે શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧ વર્ષથી નિયમિત ચાલતા વિચારોના વાવેતર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા યુવા ટીમ એ સાંભળી છે. ગત ગુરુવારનો વિચાર મનીષાબેન રામાણીએ રજુ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંકિત બુટાણીએ કર્યું હતું.