
ગુજરાતની પ્રગતિશીલ સહકારી બેંકોમાં અગ્રણ્ય બેંક એવી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરી ની બેન્કોમાં કુલ ત્રણ એવોર્ડ મળેલ છે. વર્ષ 2023-24 માટે “ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી” તેમજ “પબ્લિક રિલેશન અને સોશિયલ એક્ટિવિટી” માં શ્રેષ્ઠ બેંક તરીકે વરાછા બેંકને સન્માનિત કરવામાં આવી છે. જ્યારે “પ્રોફેટીબીલીટી મેનેજમેન્ટ” માટે રનર્સ અપ એવોર્ડ સહિત કુલ ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તા. 17/09/2024 ના રોજ પંજાબ રાજ્યના અમૃતસર શહેર ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક એસોસિએશન લિ. (સ્કોબા) તરફથી સ્કોબા પ્રાઇડ એવોર્ડ અર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ બેંકસ્ એન્ડ ક્રેડિટ સોસાયટી (નાફકબ), દિલ્હીના ચેરમેનશ્રી લક્ષ્મીદાસની ઉપસ્થિતિમાં એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો-ઓપ. બેંકો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમાં રાજ્યની પાંચમા ક્રમની અર્બન કો-ઓપ બેંક એવી વરાછા બેંકને ત્રણ ત્રણ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. વરાછા બેંક 29 વર્ષમાં 26 શાખાઓ સાથે રૂ|. 5000 કરોડથી વધુનો બિઝનેસ ધરાવે છે. જે સહકારી ક્ષેત્ર માટે ખૂબ ગૌરવની વાત છે.
આ પ્રસંગે સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખુભાઈ પટેલ સહિત દક્ષિણ ગુજરાતના 150 થી વધુ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહી નાફકબના ચેરમેનશ્રી લક્ષ્મીદાસના વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા.
આ પ્રસંગે સકોબાના વાઈસ પ્રેસિડન્ટ શ્રી કાનજીભાઈ ભાલાળાએ દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બીરદાવ્યો હતો અને વર્તમાન સમયમાં ટેકનોલોજી અને વ્યવસાયિક અભિગમ સાથે આગળ વધવાની જરૂરિયાત જણાવી હતી. સ્કોબાના પ્રેસિડન્ટશ્રી ગૌતમભાઈ વ્યાસ, વાઈસ પ્રેસિડન્ટશ્રી દેવાંગભાઈ ચોકસી અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રી મુકેશભાઈ ગજ્જર સહિત અગ્રણીઓએ વરાછા બેંકને શુભેચ્છા પાઠવી હતી.
મલ્ટી સ્ટેટ બેંકમાં દરજ્જો પ્રાપ્ત કરનારી વરાછા બેંક સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર હોવાની સાથે સાથે અનેક જાગૃતિના અભિયાન થકી લોકજાગૃતિ માટેના કાર્ય કરતી રહી છે. બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા તમામ એવોર્ડ બેંકના ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ સ્ટાફને સમર્પિત કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, વરાછા બેંક બેન્કિંગ સેવા અને વીમા સેવા પૂરી પાડી રહી છે. તદુપરાંત મ્યુચ્યુઅલ ફંડની સવિશેષ સેવા પણ બેંકનાં ગ્રાહકોને આપી રહી છે. એક જ સ્થળેથી તમામ સુવિધા થકી ખાતેદાર સરળતાથી તમામ સેવાનો પૂરતો લાભ મેળવી શકશે. તે અમારા માટે આનંદની વાત છે. આ હર્ષ ને ગૌરવની ક્ષણે તમામ ડિરેક્ટરશ્રીઓ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, તમામ સ્ટાફ તેમજ સભાસદો અને ખાતેદારોને હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા.